વખાણ કે ટીકાથી વિચલિત ન થઈએ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/03/farmer-2.jpg)
આપણા કામને લોકો કેટલીએ સારી-નરસી રીતે મૂલવતા હોય, પરંતુ આપણે એ કાર્યના પ્રારંભ પૂર્વે તેમાં પડનારી મુશ્કેલીઓ,પ જરૂરી સાધન-સરંજામની જાેગવાઈ, આપણી શક્તિ, જાેઈતા મદદગારો અને તેના પરિણામ વિચાર્યા હોય છે કોઈ કામ કોઈની દેખાદેખીથી કે આંધળુકિયું ન અદરાય તેમજ કોઈની ખોટી પ્રસંશા કે ટીકાઓથી ગભરાઈ પણ ન જવાય. આવા બાહ્ય પરિબળોને પારખવાની શક્તિ ન હોય તો આપણે જ આપણા કામને બહુ મોટું નુકસાન પહોંચાડીએ છીએ.
એક દાખલો આપું. સારા ઘર-કુટુંબ-જમીન ધરવતો ખેડૂત કરશન મહેનતું તો ખરો પણ સ્વભાવે અતિ કોધીલો ! વાવણી કરવા ઘેરથી નીકળેલો ત્યારે જ ઘરના સાથે નજીવી વાતે ઝઘડી પડયો. એનો ગુસ્સો બળદોની પીઠ પર પરોણા રૂપે વરસાવી રહ્યો હતો. વરસાદ અને વરાપ બધું સારું હતું એટલે વાવણીનું કામ શરૂ થયું. કરસનનું મન પણ થોડું શાંત પડયું હતું પણ પડખેના રસ્તેથી નીકળેલા ગામના ટીખળી વાળંદે તેને ટપારીને મામલો બગાડી નાખ્યો !
કેમ ભાઈ કરશન ! અત્યારમાં આવા ભીનામાં વાવણી શરૂ કરી દીધી ? બળદિયાઓની તો દયા કર ! બે-પાંચ ઉથલે પોરો દેતો રે જે ! અને હૈં ભૈલા શું વાવ્ય છો ? તારું કપાળ ? સીધો હેંડ્યો જા, બીજી પંચાત કરવી બંધ કર. નકર અત્યારના પોરમાં પરોણો ખાઈ બેહીશ ! અરે ભૈલા એમા ખિજાઈ શું ગયો ? અમારે પંચાત કેમ ન હોય ? જે વાવ્ય છો એમાંથી અમને વરત આથ મળવાની છેને ? ન કહે તો કંઈ ને ઉગશે ત્યારે ખબર પડી જાહે કે તૈ શું વાવ્યું છે ? અને કરશનનો પિત્તો ગયો ? અરે હહરીના ! તને એની ખબર જ ન પડે એવું કરી નાખું તો ? વાવણી જ નથી કરવી જાેતો જા ! અને કરશને બળદોને ઘરમાંથી કાઢી નાખ્યા, વાવણી કરવાનું જ બંધ કરી દીધું બોલો ! બે ઉથલમાં વવાઈ ગયેલા ચાસે ઉગાવો લીધો ત્યારે શું વાવ્યું હતું એની ખબર વાળંદને તો પડી ગઈ, પણ ખરી ખબર તો ખેડૂત કરશનને પડી ગઈ જીંદગીભર ન ભુલાય એવી ! એની તો વાવણી જ એળે ગઈ ને ભાઈઓ !
ઘણી વખત કરશનની જેમ આપણને પણ આપણી ખોટી જીદ નડી જાય છે મોરારીબાપુ બોલ્યા છે તેમ ઈતિહાસ તપાસો ! લંકાના રાક્ષસો સ્વીકારવા જ તૈયાર નહોતા કે પોતે બધા રોગગ્રસ્ત છીએ ! નહિતર લક્ષ્મણજી જેવા વીર મૂર્છા પામે અને તેની મૂર્છા દૂર કરી શકે તેવા સુષેણ જેવા સફળ વૈદ લંકામા હતા, પણ સ્વીકારે તો ને ? પરિણામ સ્વરૂપે અસૂરોનો વિનાશ થયો.
દૂધ-પાણી ભલે ભેળા કર્યાં હોય પણ હંસ જેમ પાણી જતું કરી, દૂધ દૂધ પી જાણે છે બસ એમ જ, આપણા સમાજમાં સુદેવો વાળા અને કુટેવો વાળા-બન્ને સ્વભાવના ખેડૂતો-માણસો હોવાના અને આપણા સંપર્કમાં આવવાના. એ એમના સ્વાવ પ્રમાણે નોખનોખાની વાતો, અનેક જાતની વિગતો અને અભિપ્રાયો આપવાના. સાંભળી પુરેપુરું લેવાનું પણ એમાંથી સાર સાર તારવી આપણને ઉપયોગી હોય તેવી વાતો-વિગતો-માહિતી- જાણકારી ગ્રહણ કરી લેવાની, બાકીની ભલેને ગમે તેટલી વાત કે વિગત હોય, આ કાનેથી સાંભળેલ ઓલ્યા કાનેથી કાઢી મેલવાની ! જાે અન્યકોઈની વાતો સાંભળીએ જ નહી કે તેઓની પાસેથી વિગતો જાણીએ જ નહી તેવા એકલહટુડા અને જીદ્દી રહીએ તો હોઈએ ત્યાંના ત્યાં જ રહીએ, આગળ વધી જ ન શકીએ ! એટલે ભલા ભળવું બધાની સાથે, કયારેક ન ગમે તેવી વાત હોય તો તેના પ્રત્યે ચીડ કે નફરત દેખાડ્યા વિના એમાંથી થોડુકેય કંઈ આપણને ઉપયોગી થાય તેવું છે ? આપણે તો ટપાકાનું નહી રોટલાનું કામ માની એ બધું મેળવી લેવામાં જ ધ્યાન દેવું.
વાત છે વરસો પહેલાની-૧૯૯૮-૯૯ની સાલની પરંપરાગત ખેતી પદ્ધતિથી થાકી જઈ સજીવ ખેતીની નવી નવી શરૂઆત કરેલી. મોલાતમાં રા. ખાતરો અને ઝેરીલી પેસ્ટીસાઈડઝના ઉપયોગને બદલે અંગ્રેજીમાં સેદ્રીય ખાતરો અને હર્બલ દવાઓના ઉપયોગના પ્રયોગો પંચવટીબાગમાં શરૂ થઈ રહ્યા છે એવી વાત અમારા પિતાશ્રીના મોહાળના ગામડે પહોંચ્યા ભેળા કાનાદાદા તો આવી પહોંચ્યા અમારી વાડીએ ! અને કુશળતાના સાર-સમાચાર કે ઓપચારિક વાતો કરવાને બદલે સીધો ઉધડો જ લીધો મને તો ! છોકરા ! આપણે જે હાલ્ય હાલતા હોઈએ ઈ મેલીને હંસની હાલવા જાઈ તો ભૂંડાઈના ગડથોલિયું ખાઈ જવાય હો ! મેં ઈ જાણવા હાટુ જ ધક્કો ખાધો છે કે આ વિલાયતી ખાતર અને દવાયુ નહી વાપરવાનું ભૂત તને ક્યાંથી વળ્યું છે ઈ કહીશ મને ? શું તારા માવતરે આ હાટુ તને ભણાવ્યો છે ? આખો મલક વિલાતી ખાતર અને દવાયું વાપરે છે, ઈ બધા મુરખ્યા અને હું એક જ ડાહ્યો એમને ? કેવું નામ કીધું તે આ તારી ખેતીનું ? હં..હં.. જીવતી ખેતી એવું કાંક ! એવી ખેતી કર્યે રોટલા ન નીકળે ગંગા ! અનેતારી હારોહારના તારા ગોદાવરી પણ તારુ એઠુ પાણી પી ગયા લાગે છે, નકર ઈ તો તને કાંકય પાછો નાખે ને ? પણ તું એનુંયે નહી માનતો હો એવું લાગે છે. આવો હો કેંક બળાપો ઠપકો આપી જતાં જતાંયે પાછા કહેતા ગયા કે મને ફરી અહીં આવવા દેવો હોય તો તારા આ જીવતીખેતીના ભૂતને રવાના કરી દેજે ! અમે માન્યું કંઈ વાંધો નહી, એ તો બીચારા જુના જમાના અને પાછા કહેવાય ઘરડું માણહ ! એના બોલવા સામે થોડો ધોખો ધરાય ?