ચીન આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરે : ભારત
નવી દિલ્હી: ભારતે ચીનને આંખ ફેરવીને સંભળાવી દીધુ છે કે તે ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કરી દે. ચીન દ્વારા લદાખ અને અરુણાચલ પ્રદેશ વિશે અપાયેલા નિવેદનોથી નારાજ ભારતીય વિદેશ મંત્રાલયે ડ્રેગનને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર તથા લદાખ ભારતના અભિન્ન અંગ હતા અને રહેશે તથા કોઈને પણ ભારતના આંતરિક મામલાઓ પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.” મંત્રાલયે ચીનને શીખામણ આપતા કહ્યું કે જો અન્ય દેશ એમ ઈચ્છતા હોય કે કોઈ તેમના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ન કરે તો તેમણે પણ એમ કરવાથી બચવું જોઈએ.
ભારતે અરુણાચલ પ્રદેશ પર ફરીથી પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરતા કહ્યું કે, અરુણાચલ પ્રદેશ ભારતનું એક અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. આ તથ્ય ચીનને અનેકવાર જણાવવામાં આવ્યું છે, ઉચ્ચ સ્તરીય બેઠકોમાં પણ. અત્રે જણાવવાનું કે આ અઠવાડિયાની શરૂઆતમાં ચીને લદાખ અને અરુણાચલ પ્રદેશ વિવાદને હવા આપતા કહ્યું હતું કે તે તેમને માન્યતા આપતું નથી. ડ્રેગનની આ ટિપ્પણી ભારતીય રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા સંબંધિત વિસ્તારમાં પુલોના ઉદ્ધાટન બાદ આવી હતી. રક્ષામંત્રીએ ૭ કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોમાં ૪૪ પુલોનું ઉદ્ધાટન કર્યું હતું. જેમાંથી અનેક ચીનની સરહદે છે. ચીનના વિદેશ મંત્રાલયે પુલોના નિર્માણ પર આપત્તિ વ્યક્ત કરતા કહ્યું હતું કે ભારત સરહદે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ભાર મૂકી રહ્યું છે.
જે બંને પક્ષોમાં તણાવનું મૂળ કારણ છે. નોંધનીય છે કે ચીન હંમેશા અરુણાચલ પ્રદેશ અને લદાખ પર નિવેદનો આપતું રહે છે. અહીં થનારી દરેક ગતિવિધિ તેને વિચલિત કરે છે. આથી ભારતે આ વખતે સ્પષ્ટ શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જો તે ભારતના આંતરિક મામલાઓમાં ટિપ્પણી કરશે તો પછી તે પણ તેના માટે તૈયાર રહે.