રીલ્સ જોવામાં સમય બરબાદ ન કરો, અભ્યાસ પર ધ્યાન આપોઃ PM મોદી
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં દ્વારા બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બાળકોને કેટલાક ગુરુ મંત્રો આપ્યા હતા. તેમણે બાળકોને કહ્યું કે, ‘રીલ્સ જોવામાં સમય બરબાદ ન કરો.
અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. આ ઉંમરમાં ભોજન અને ઉંઘનું સંતુલન બનાવવું ખુબ જ જરૂરી છે. બાળકોએ ભરપૂર ઉંઘ લેવી જોઈએ, માત્ર મોબાઈલ જ ન જોવો જોઈએ. ઘણા બધા લોકો કલાકો સુધી મોબાઈલ જોતા રહે છે. એક સમય નક્કી કરો.
વિદ્યાર્થીઓએ વડાપ્રધાન મોદીને પૂછ્યું કે કેટલાક લોકો કહે છે કે મિત્રતા ડુબાડે છે. આ પ્રશ્નનો જવાબ આપતા વડાપ્રધાને કહ્યું હતું કે, ‘મિત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેં ઘણી વખત જોયું છે કે કોઈ મિત્ર તમને શિક્ષક કરતાં વધુ શીખવે છે, જેમ કે, જો કોઈ મિત્ર ગણિત અથવા ભાષામાં મજબૂત હોય, તો તે તેના મિત્રને પણ મજબૂત બનાવે છે. મેં એવા મિત્રો જોયા છે જે ભલે પોતે નિષ્ફળ જાય પણ પોતાના મિત્રોને આગળ વધવામાં મદદ કરે. જો મિત્રો સારા માર્ક્સ ન મેળવે અને પ્રથમ આવે તો તેઓ પાર્ટી પણ કરતા નથી, આ છે મિત્રતા.’
પરીક્ષા પે ચર્ચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે બંધન હોવું મહત્ત્વપૂર્ણ છે અને તેમની વચ્ચે મિત્રતાનો સંબંધ હોવો જોઈએ. શિક્ષકનું કામ નોકરી બદલવાનું નથી, પરંતુ વિદ્યાર્થીઓનું જીવન બદલવાનું અને તેમને સારું બનાવવાનું છે. વિદ્યાર્થીઓના વાલીઓને સલાહ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,’કેટલીક ભૂલો માતા-પિતાના અતિશય ઉત્સાહથી થાય છે, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ ડરના કારણે કરે છે. કેટલાક માતા-પિતાને લાગે છે કે આ સાચું છે, તે સાચું છે, તેઓએ આમાંથી બહાર આવવું પડશે.