Western Times News

Gujarati News

ડોર-ટુ-ડોર કચરાના કલેકશન માટે 1850 નવી વાન અમદાવાદમાં ફરશે

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અંદાજિત ₹1003 કરોડનાં કુલ 45 વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન-મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, જગદીશ વિશ્વકર્મા તથા મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈનની ઉપસ્થિતિ

રક્ષાબંધનના પાવન તહેવાર પૂર્વે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદને અંદાજિત ₹1003 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનાં અંદાજિત ₹1003 કરોડનાં વિવિધ 45 વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

સરકારના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજયમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા તથા અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ સ્થાનિકો સાથે સંવાદ પણ સાધ્યો હતો.

ગાંધીનગર અને અમદાવાદ લોકસભા વિસ્તારમાં અંદાજિત ₹ 1003 કરોડના વિવિધ પ્રજાકીય વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બદલ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાત સરકારનો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં  ₹730 કરોડના 21 પ્રકલ્પોના લોકાર્પણ અને 4 વિકાસકામોના ખાતમુહૂર્ત સહિત અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારોમાં 18 પ્રકલ્પોના લોકાર્પણ અને 2 વિકાસકામોના ખાતમુહૂર્ત આજે સંપન્ન થયા છે. જેમાં સ્વચ્છતા, આરોગ્ય, રમતગમત, પર્યાવરણ જાળવણી સહિતનાં ક્ષેત્રોના અનેક વિકાસકામો સમાવિષ્ટ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દર વર્ષે ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોને અંદાજે ₹5000 કરોડનાં વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી છે. જેના પરિણામે અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા મત વિસ્તાર વિકાસના નવા આયામો રોજેરોજ સર કરી રહ્યા છે.

વધુમાં વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, જલવાયુ પરિવર્તનની ગંભીર સમસ્યાઓના સમાધાન સ્વરૂપે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક પેડ  માકે નામ’ અભિયાન શરૂ કરાવ્યું છે. માતૃઋણ અદા કરવા માટે વૃક્ષારોપણથી સારો કોઈ વિકલ્પ કે માર્ગ ન હોઈ શકે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિશન 3 મિલિયન ટ્રી અંતર્ગત માત્ર 100 દિવસમાં 30 લાખ વૃક્ષો વાવવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. એ જ રીતે દેશના વિવિધ શહેરોએ આ અભિયાનને જવાબદારી સ્વરૂપે લઈને તેને એક વિશાળ જન અભિયાનમાં પરિવર્તિત કર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

અમદાવાદના નગરજનોને વૃક્ષારોપણમાં સક્રિયપણે સહભાગી બનવાની અપીલ કરતાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 100 દિવસમાં 30 લાખ વૃક્ષ આપણી આવનારી પેઢી માટે વાવવાનો સંકલ્પ કર્યો છે. કોર્પોરેશને શહેરમાં ઠેર ઠેર ઓક્સિજન પાર્ક બનાવ્યા છે. આ અભિયાનમાં શહેરના દરેક નાગરિકે પોતાનું સક્રિય યોગદાન આપવું જોઈએ.

દરેક શહેરીજન પોતાની નૈતિક ફરજ સમજીને જો ઘરમાં સભ્યો હોય એટલા વૃક્ષો પણ વાવે તો માત્ર બે જ વર્ષમાં શહેરને હરિયાળું બનાવી શકાય છે. આપણી સોસાયટીમાં , પડતર જમીનમાં, બાળકોની સ્કૂલોમાં વધુને વધુ વૃક્ષો વાવીને પોતાના બાળકની જેમ તેનો ઉછેર કરવાનો આપણે બધા આજે દૃઢ સંકલ્પ કરીએ. આપણે ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યાઓ સામે સમયસર જાગવું પડશે, એમ તેમણે ઉમર્યું હતું.

રાજ્ય અને શહેરનાં વિકાસકાર્યો વિશે વધુમાં વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,  કુશળ નેતૃત્વ અને સુશાસનને પરિણામે સતત ત્રીજીવાર ગુજરાત અને સમગ્ર દેશે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જનાદેશ આપ્યો છે. આવનારા સમયમાં વિકસિત અમદાવાદથી વિકસિત ગુજરાત બનાવવાના ઉદ્દેશ સાથે શહેરમાં વિકાસ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરીજનોની સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગ માટે સતત કામગીરી કરી રહી છે. આજે શરૂ કરવામાં આવેલા જિમ્નેશિયમ, સ્વિમિંગ પૂલ, ઓક્સિજન પાર્ક સહિતનાં વિકાસકાર્યો શહેરીજનોની સુખાકારી વધારશે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની જોડી સુરાજ્ય એટલે કે ગુડ ગવર્નન્સની પ્રેરક છે. એટલે જ દેશની પ્રજાએ સતત ત્રીજી વાર વડાપ્રધાનશ્રીને સુશાસનનું દાયિત્વ સોંપ્યું છે.

આજનો આ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ/ ખાતમુહૂર્તનો કાર્યક્રમ સુરાજ્યની તેમની નીતિરીતિને ધરાતલ પર સાકાર કરતો કાર્યક્રમ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વિવિધ વિકાસ પ્રકલ્પો વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજે એક જ દિવસમાં ગાંધીનગર સંસદીય મતવિસ્તાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 1,003 કરોડનાં વિવિધ 45 વિકાસ કાર્યોની ભેટ શ્રી અમિતભાઈ શાહ પ્રજાજનોને આપી રહ્યા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તેમના ઉદબોધનમાં દેશના મધ્યમવર્ગીય પરિવારોને ક્વોલિટી ઓફ લાઈફ આપીને વિકસિત ભારતનું નિર્માણ કરવાની વાત કરી હતી. એ જ દિશામાં આજે શહેરીજનોની ક્વોલિટી ઓફ લાઈફ અને ઇઝ ઓફ લિવિંગ વધારતા વિવિધ વિકાસ પ્રકલ્પો ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સ્વચ્છતા, સુવિધા અને સુખાકારીના વિવિધ વિકાસ પ્રકલ્પો થકી સ્માર્ટ સિટી અને મેગા સિટી અમદાવાદ વધુને વધુ સુવિધાયુક્ત અને જનપ્રિય બનશે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રક્ષાબંધન પૂર્વે શહેરની માતાઓ બહેનો અને તેમના પરિવારોને વિવિધ વિકાસકામોની ભેટ શ્રી અમિતભાઈ શાહ આપી રહ્યા છે.  વેજીટેબલ માર્કેટ, સ્વિમિંગ પૂલ, પિંક ટોઈલેટ, ઓક્સિજન પાર્ક, ફ્લાય ઓવર બ્રિજ સહિતના વિકાસ પ્રકલ્પો શહેરીજનોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરશે, એમ તેમણે ઉમેર્યું હતું.

ગાંધીનગર અને અમદાવાદ લોકસભા વિસ્તારોમાં વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,  ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અ.મ્યુ.કો દ્વારા 676 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને 10 કરોડનાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આજે સંપન્ન થયું છે. એ જ રીતે, અમદાવાદ શહેરમાં 267 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને 49 કરોડનાં વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં સુશાસન અને ગુડ ગવર્નન્સનું આગવું મોડલ વિકસાવ્યું છે.

વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર તરફથી અમદાવાદને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ₹80 કરોડ તથા રોડ રસ્તાનાં કામો માટે ₹277.60 કરોડ ફાળવવામાં આવ્યા છે. શ્રી અમિતભાઈ શાહ આદર્શ સાંસદ તરીકે અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તારોના વિકાસ માટે સતત પરિશ્રમ કર્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.

‘એક પેડ માં કે નામ’ અભિયાન વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ગ્રોથની નેમને સાકાર કરવાની દિશામાં આ અનેરું અભિયાન શરૂ કરાવ્યું છે. આ અભિયાનમાં લીડ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિશન થ્રી મિલિયન ટ્રી અંતર્ગત માત્ર 100 દિવસમાં 30 લાખ વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો છે. શહેરના 48 વોર્ડ અને સાત ઝોનમાં કોર્પોરેશન દ્વારા સતત વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. એ દિશામાં આજે શ્રી અમિતભાઈ શહે પણ વૃક્ષારોપણ કરીને પોતાનું યોગદાન આપ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

સાથે જ, મુખ્યમંત્રીશ્રીએ આઝાદીના અમૃત કાળને દેશના વિકાસનો કર્તવ્ય કાળ ગણાવીને 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકાર દિન પ્રતિદિન વિકાસના નવા આયામો સર કરીને પોતાનું યોગદાન આપી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે સ્વાગત ઉદબોધન કરતા મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈને જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધી વિકસિત અમદાવાદથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રતિબદ્ધ છે.

વધુમાં વાત કરતાં મેયરશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વોર્ડમાં શહેરીજનોની સુખાકારી વધારતા વિવિધ 45 વિકાસ પ્રકલ્પો આજે પ્રજાને સમર્પિત કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદના સિંધુભવન રોડ પાસે નવનિર્મિત ઑક્સિજન પાર્ક અને તળાવ તેમજ મકરબા ખાતે નવનિર્મિત સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમનું પણ લોકાર્પણ કરાવ્યું હતું. આ ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વોર્ડમાં પિંક ટોઇલેટ, ઓવરબ્રિજ, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાન સહિત રોડ પ્રોજેક્ટ, બિલ્ડિંગ પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ, વોટર પ્રોજેક્ટ, સ્કૂલબોર્ડને લગતા વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું.

અ.મ્યુ.કો.ના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે અમદાવાદના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા અને શ્રી નરહરિભાઈ અમીન, અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.થેન્નારસન, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, કાઉન્સિલરશ્રીઓ, AMCના કર્મચારીઓ, અધિકારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.