અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે હવે GSRTCની ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ
વાઈબ્રન્ટ સમિટ પછી સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પર તેનું પ્રાથમિક સંચાલન નિગમ દ્વારા કરવામાં આવશે.
ગુજરાત એસ.ટી નિગમની ડબલ ડેકર એસ ઈલેક્ટ્રિક બસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચિંગ કર્યું
ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર સેવામાં મૂકાઈ રહેલી અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોચિંગ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટિવિટી અને અસરકારક પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને ગતિશક્તિની આધારશીલા ગણાવી છે.
Gujarat Means Growth!!#VibrantGujarat #GujaratST #GSRTC @Bhupendrapbjp pic.twitter.com/tXr3w4GkBi
— GSRTC (@OfficialGsrtc) January 7, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસ.ટી. નિગમે વડાપ્રધાનના આ વિચારને સાકાર કર્યો છે.
આ જ શ્રૃંખલામાં મુસાફરલક્ષી વધુ એક સેવાનો પ્રારંભ આ ડબલ ડેકર એવી ઈલેક્ટ્રિક બસના લોચિંગથી થયો છે.
માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આવી પાંચ અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસ ખરીદીનું આયોજન છે. તે પૈકીની બે બસોનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ સમિટ-૨૦૨૪ની પ્રી-ઈવેન્ટરૂપે ગિફ્ટ સિટીથી કર્યું હતું.
આ બસ સેવાઓનું વાઈબ્રન્ટ સમિટના ભાગરૂપે સોમવાર ૮મી જાન્યુઆરીથી ગિફ્ટ સિટીથી મહાત્મા મંદિર સુધી સંચાલન કરવામાં આવશે. એટલું જ નહીં, વાઈબ્રન્ટ સમિટ પછી સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પર તેનું પ્રાથમિક સંચાલન નિગમ દ્વારા કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોન્ચિંગ કર્યું તે અવસરે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, ગિફ્ટ સિટીના ચેરમેન ડો. હસમુખ અઢિયા, ગિફ્ટના એમ.ડી. તપન રે તથા વાહનવ્યવહાર અને બંદરો તથા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, એસ.ટી. નિગમના વહીવટી સંચાલક એમ.એ. ગાંધી અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની જાહેર પરિવહન સેવાને વિશ્વ સ્તરીય તેમજ પર્યાવરણપ્રિય બનાવવાના ધ્યેય સાથે ગાંધીનગરના ગિફ્ટ સિટીથી અમદાવાદના વિવિધ વિસ્તારોને જોડતી રાજ્યની પહેલી એસી ઈલેક્ટ્રિક ડબલડેકર બસનું લોકાર્પણ કર્યુ હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ આ અદ્યતન ડબલડેકર બસમાં વાહનવ્યવહાર રાજ્ય મંત્રીશ્રી, અન્ય મહાનુભાવો તેમજ બાળકો સાથે બેસી મુસાફરીનો આનંદ પણ માણ્યો હતો.