DPSમાં ચાલતા નિત્યાનંદ આશ્રમ મામલે યુથ કોંગ્રેસનો વિરોધ: કાર્યકર્તાઓની અટકાયત
અમદાવાદ: શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી DPS સ્કૂલમાં ચાલતા સ્વામી નિત્યાનંદનો આશ્રમ છેલ્લા ઘણાં સમયથી વિવાદમાં સપડાયો છે. આ મામલે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. DPS સ્કૂલમાં નિત્યાનંદ કાંડમાં શિક્ષણ ખાતાના ટ્રસ્ટીઓ અને બીજા મોટા માથાઓનો બચાવ કરવામાં આવતો હોવાનો આરોપ મૂકીને કડક કાર્યવાહીની માંગ કરવામાં હતી.
આ અંગે પ્રાપ્ત વિગોતો પ્રમાણે, શહેરની DPS સ્કૂલમાં ક્યાંક અપહરણ, તાંત્રિક વિદ્યાના પ્રશ્નો, અંધશ્રદ્ધાના પ્રશ્નો, ગેરકાયદેસર ગોંધી રાખવાના પ્રશ્નો, મની લોન્ડરીંગના પ્રશ્નો, શિક્ષણ વિભાગમાં ખોટી NOC આપવાના પ્રશ્નો, જમીનમાં ગેરરીતીના પ્રશ્નો સામે આવ્યા છે. આ સભ્ય સમાજને શરમાવે તેવી ઘટના શૈક્ષણિક સંસ્થા દ્વારા આચરવામાં આવી રહી છે. DPS સ્કૂલ દ્વારા શિક્ષણ વિભાગને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય અથવા અધિકારીઓ સાથે મિલીભગત કરી આ કૌભાંડ આચરવામાં આવ્યુ છે. આ નિત્યાનંદની ગેરરીતિઓમાં મંજૂલા પૂજા શ્રોફ, હિતેન વસંત અને અમિતાભ શાહ જેવા અનેક મોટા માથાઓના નામ સામે આવ્યા હોવા છત્તાં તેમની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને પગલે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.