DPS કેસઃ કોર્ટે આકરૂં વલણ અપનાવી મંજુલા, હિતેન અને અનિતાને જામીન આપવાનો સાફ ઇન્કાર
અમદાવાદ, નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સપડાયેલી ડીપીએસ(ઈસ્ટ)ની ખોટી એનઓસી મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આકરૂં વલણ અપનાવતાં આજે મંજુલા પૂજા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆના આગોતરા જામીન ફગાવી દીધા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓને આગોતરા જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.
નીચલી કોર્ટ તરફથી રાહત નહી મળતાં હવે ત્રણેય આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરવી પડશે. જા કે, પોલીસ ધારે ત્યારે આ ત્રણેય આરોપીની ગમે ત્યારે ધરપકડ કરી શકે. પરંતુ પોલીસની ઇચ્છાશકિતને લઇને પણ અહીં સવાલ છે તે સ્પષ્ટ છે. ગ્રામ્ય કોર્ટે ત્રણેય આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવતાં નીરીક્ષણ કરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં આરોપીઓ પર ગંભીર પ્રકારનો ગુનો છે અને કેસની તપાસમાં આરોપીઓની હાજરીની જરૂર છે. ખૂબ જ સંવેદનશીલ અને ચકચારભર્યા એવા આ કેસની તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે.
તેથી હાલના તબક્કે આરોપીઓને આગોતરા જામીન આપી શકાય નહીં. ચકચારભર્યા નિત્યાનંદ આશ્રમના કેસ વિવાદમાં હાથીજણ પાસે હીરાપુર ખાતેની ડીપીએસના સીઇઓ અને પૂર્વ ટ્રસ્ટી મંજૂલા શ્રોફ અને હિતને વસંત દ્વારા પોતાની સંભવિત ધરપકડ ટાળવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજીનો રાજય સરકાર તરફથી સખત વિરોધ કરાયો હતો.
સરકારપક્ષ તરફથી જણાવાયું હતું કે, આરોપીઓએ ડીપીએસના સત્તા સ્થાને બેસીને એકબીજાના મેળપીપણામાં રાજય સરકાર, સીબીએસઇ સહિતના અધિકૃત સત્તાવાળાઓને ગેરમાર્ગે દોર્યા છે અને ખુદ વિદ્યાર્થીઓ અને વાલીઓને અંધારામાં રાખી તેમની સાથે પણ ગંભીર પ્રકારની છેતરપીંડી આચરી વિશ્વાસઘાત કર્યો છે. આ કેસમાં આરોપીઓની સક્રિય સંડોવણી અને જવાબદારી સ્પષ્ટ થાય છે.
ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ પ્રસ્તુત કેસમાં પ્રથમદર્શનીય ગુનો બને છે. વળી, ચકચારભર્યા આ કેસમાં પોલીસની તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે. આરોપીઓ વગદાર અને ઉંચા હોદ્દા પર હોવાથી જા આગોતરા જામીન અપાય તો, કેસના સાક્ષીઓ અને પુરાવાઓ સાથે ચેડાં થવાની શકયતા પણ નકારી શકાતી નથી. આ સંજાગોમાં કોર્ટે ત્રણેય આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી દેવી જાઇએ. સરકારપક્ષની આ દલીલો ગ્રાહય રાખી કોર્ટે ત્રણેય મંજૂલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆની આગોતરા જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, હાથીજણ પાસે આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે સીબીએસઈ બોર્ડે ડીપીએસ ઈસ્ટની માન્યતા રદ કરી છે. તેમજ ખોટા દસ્તાવેજો ઉભા કરી સ્કૂલની મંજૂરી મેળવવાના આરોપસર ડીપીએસ ઈસ્ટના સીઈઓ મંજુલા શ્રોફ, ટ્રસ્ટી હિતેન વસંત અને અનિતા દુઆ સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કર્યો હતો, જેને પગલે ઉપરોકત અરજદારોએ આગોતરા જામીન અરજી દાખલ કરી હતી અને ધરપકડ સામે રાહત માંગી હતી. જા કે, કોર્ટે કોઇ રાહત આપી ન હતી.