ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે ‘તેજતૃષા મહોત્સવ ૨૦૨૫’ યોજાયો

વિવિધ કેટેગરીના પ્રથમ ત્રણ વિજેતાઓને સન્માનિત કરાયા
અમદાવાદની ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે ‘તેજતૃષા મહોત્સવ ૨૦૨૫’ યોજાયો હતો. જે અંતર્ગત યુનિવર્સિટીનાં વિવિધ અભ્યાસકેન્દ્રોમાં અભ્યાસ કરતા ૮૮૯ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને જ્ઞાન ધારા, રંગ કલા કૌશલ્ય, સર્જનાત્મક અભિવ્યક્તિ, ગીત સંગીત ધારા, નાટ્યધારા અને નૃત્ય ધારા જેવી વિવિધ ૪૧ જેટલી સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.
‘તેજતૃષા મહોત્સવ-૨૦૨૫’ કાર્યક્રમના ઉદ્ધાટન સત્રમાં ગુજરાતના જાણીતા વક્તા શ્રી જય વસાવડાએ સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, જિંદગી જીવવા માટે માણસને પોતાનું લક્ષ્ય હોવું જોઈએ અને એ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને સફળતાનાં શિખરો સર કરવા જોઈએ, તેમ દરેકની એક આંખમાં તેજ અને બીજી આંખમાં ભેજ હોવો જોઈએ. આ તેજ એટલે શું અને ભેજ એટલે શું તેનાં ખૂબ ઉત્તમ ઉદાહરણો આપી યુવાનોને પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું હતું.
આ તકે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. ડૉ. અમી ઉપાધ્યાયએ યુનિવર્સિટીની સિદ્ધિઓ વર્ણવી હતી અને યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ પ્રકલ્પ વિશે માહિતીગાર કર્યો હતા તેમજ ‘તેજતૃષા મહોત્સવ’નું મહત્ત્વ સમજાવતાં તેઓ જણાવ્યું કે, ‘તેજતૃષા મહોત્સવ’ની શરૂઆત વર્ષ-૨૦૧૯માં કરવામાં આવી હતી.
જેમ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ઉંમરનો કોઈ બાધ નથી તેમ આ પ્રતિભા મહોત્સવમાં કોઈ પણ ઉંમરના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે અને પોતાની કળાને-સ્કિલને-આવડતને રજૂ કરવા માટે આ યુનિવર્સિટીએ મંચ આપ્યો છે. હકીકત એ છે કે દરેક વ્યક્તિમાં કોઈપણ પ્રકારે તેજ રહેલું હોય છે એ તેજને બહાર લાવવા માટે જે તરસ છે, તે તૃષા છે અને એટલે જ આ મહોત્સવને ‘તેજતૃષા’ નામ આપવામાં આવ્યું. તેમણે આગામી સમયમાં યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવનારા સિનેમાના અભ્યાસક્રમ વિશે માહિતી આપી હતી.
આ તકે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનારા સ્પર્ધકોમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારા સ્પર્ધકોને શિલ્ડ આપી, સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે યુનિવર્સિટીના કુલસચિવ શ્રી ડૉ. એ.કે. જાડેજા, પ્રો. ડૉ. પ્રિયાંકી વ્યાસ, ડૉ. હિમાંશુ પટેલ, ડૉ. સંજય પટેલ, ડૉ. નિશા જોષી, ડૉ. કૃતિ છાયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાર્યક્રમનું સંચાલન પ્રો. દિગીશ વ્યાસે કર્યું હતું.