ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે AIU દ્વારા આયોજિત પશ્ચિમ ઝોનનો વિદ્યાર્થી શપથ કાર્યક્રમ યોજાયો

ભારતીય સેનાએ પહેલગામમાં થયેલ જઘન્ય અને અમાનવીય આતંકી હુમલા બાદ ઓપરેશન સિંદૂરના સૂર્યના દર્શન કરાવ્યા:- મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન
ગુજરાતના વિવિધ પ્રદેશોમાંથી આવેલા વિદ્યાર્થીઓ દ્વારા જોશ અને જુસ્સા સાથે ‘મેરા ભારત, મેરા સંકલ્પ‘ની પ્રતિજ્ઞા લેવામાં આવી
દેશભરના ઉત્તર, દક્ષિણ, મધ્ય, પૂર્વ અને પશ્ચિમ ઝોનની પાંચ યુનિવર્સિટીઓમાં રાષ્ટ્રવ્યાપી વિદ્યાર્થી શપથ કાર્યક્રમ યોજાયો
Ahmedabad, ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ (AIU) દ્વારા ‘યુવા શક્તિ, ભારત કી શક્તિ- એક યુવા, એક રાષ્ટ્ર, એક સંકલ્પ‘ શીર્ષક સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈનના અધ્યક્ષસ્થાને ભવ્ય વિદ્યાર્થી શપથ કાર્યક્રમ યોજાયો હતો. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સહિત દેશભરના ઉત્તર, દક્ષિણ, મધ્ય, પૂર્વ ઝોનની પાંચ યુનિવર્સિટીમાં આ રાષ્ટ્રવ્યાપી શપથ કાર્યક્રમ યોજાયો હતો.
મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈને પ્રાસંગિક ઉદબોધન આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના સશક્ત નેતૃત્વ હેઠળ ભારતીય સેનાએ પહેલગામમાં થયેલ જઘન્ય અને અમાનવીય આતંકી હુમલા બાદ ઓપરેશન સિંદૂરના સૂર્યના દર્શન કરાવ્યા હતા.
આ સમયે સમગ્ર દેશની જનતા ભારતીય સેનાની સાથે છે. સર્વે સામાજિક અગ્રણીઓ, દેશભક્ત નગરજનો ‘એક દેશ, શ્રેષ્ઠ દેશ‘ની ભાવનાને સીમા પાર પહોંચાડી રહ્યા છે. દેશવાસીઓ દેશની અસ્મિતાને બળ આપવાની સાથે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર ભારતના પાંચ ઝોનમાંથી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને આ શપથ કાર્યક્રમ માટે પસંદ કરવામાં આવી તે ખૂબ જ આનંદ સાથે ગર્વની બાબત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદને જમીનદોસ્ત કરવાના વિચાર સાથે ભારત દેશને આત્મનિર્ભર બનાવી વિકસિત ભારત @2047ને સાર્થક કરવા અને ‘વોકલ ફોર લોકલ‘ના નારા સાથે ‘મેક ઇન ઇન્ડિયા‘ને સાર્થક કરવા વિદેશી વસ્તુઓના બહિષ્કાર અને સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો વિશેષ આગ્રહ કરવામાં આવ્યો છે. આપણે આપણા દેશની વસ્તુ ખરીદવાની અને બહારના દેશની વસ્તુઓનો બહિષ્કાર કરવાની માનસિકતા બનાવીશું ત્યારે આપણે આપણા દેશને વધારે મજબૂત કરી શકીશું.
ડૉ .બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઈસ ચાંસેલર સુશ્રી અમીબહેન ઉપાધ્યાયે કહ્યું હતું કે, ભારત દેશ આત્મનિર્ભર છે. તે ધર્મના નામ ઉપર આતંકને સહન નહીં કરે. ઓપરેશન સિંદૂર એ ભારતના દુશ્મનોને દેશ દ્વારા આપવામાં આવેલો જવાબ છે.
ભારતવાસીઓ સંયમ અને સામર્થ્ય બતાવવાવાળી પ્રજા છે. આર્થિક રીતે પ્રગતિ કરતા ભારત દેશને પોતાની યુવા શક્તિ ઉપર વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માનવા અનુસાર યુવા શક્તિ એ ઉંમર કરતા સ્પિરિટની વાત વધુ છે. તેથી યુવા શક્તિ થકી વિશ્વને ભારતનું મહત્ત્વ બતાવવાનું છે. જે ભારતની સામે ઊભા હશે, તે ભારતના લોકોની સામે ઊભા હશે. યુવા શક્તિ સાથે ભારતને વિશ્વબંધુ બનતા કોઈ નહીં રોકી શકે.
આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ પ્રદેશોમાંથી આવેલા વિદ્યાર્થીઓ દ્વારા જોશ અને જુસ્સા સાથે ‘મેરા ભારત, મેરા સંકલ્પ‘ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ભારતની એકતાનું પ્રતિનિધત્વ કરવું, દેશ સેવાનાં કાર્યોમાં જોડાવું, રાષ્ટ્ર પ્રતીકોનું સન્માન કરવું, સ્વચ્છ ભારત બનાવતા સાથે ભારતને આત્મનિર્ભર દેશ બનાવવો, વિવિધતામાં એકતાના સંકલ્પનું સન્માન કરવું, મતદાનમાં ભાગીદાર થવું વગેરે જેવી બાબતો આ પ્રતિજ્ઞામાં સામેલ હતી.
આ શપથ સમારોહ કાર્યક્રમમાં યુનિવર્સિટીના બોર્ડ મેમ્બર શ્રી યતીન પટેલ અને શ્રી જયેશ પટેલ, રજિસ્ટ્રાર ડૉ. શ્રી અજયસિંહ જાડેજા સહિત રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.