એન્જિયોપ્લાસ્ટીના દોઢ લાખ રૂપિયામાંથી ડો. વજીરાણીને ૧૫ હજાર ચૂકવાતા હતા
અમદાવાદ, શહેરના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ખોટી રીતે સર્જરી કરીને બે દર્દીને મોતને ઘાટ ઉતારવા મામલે પોલીસે તપાસ તેજ કરી છે. આ કેસના આરોપી ડો.પ્રશાંત વજીરાણીની ધરપકડ બાદ શુક્રવારે તેને સાથે રાખીને પોલીસે હોસ્પિટલ ખાતે તપાસ હાથ ધરી હતી.
હોસ્પિટલના માલિક, ડિરેક્ટર, ડોક્ટરો, એડમિનિસ્ટ્રેશન અને એચ.આર સ્ટાફમાં કોણ કોણ છે તેની તપાસ કરાઇ હતી. જોકે, માલિકો અને સ્ટાફ સહિતના લોકો હોસ્પિટલ ખુલ્લી મૂકીને જ ભાગી ગયા હોવાથી પોલીસને કાંઇ હાથ લાગ્યું નથી. તો બીજી બાજુ પોલીસે ફરાર આરોપીઓના ઘરે પણ સર્ચ કરતા આરોપી ડોક્ટરો, ડાયરેક્ટર, સીઈઓ સહિતના લોકો પરિવાર સાથે જ ભાગી ગયા હોવાનું સામે આવ્યુંં છે. બીજી બાજુ આ ફરાર આરોપીઓને શોધવા ક્રાઇમ બ્રાંચ અને ઝોન-૧ એલસીબીની ટીમો કામે લાગી છે.
આ કેસની તપાસમાં પહેલા આરોપી ડોક્ટરને એક ઓપરેશનના ૧૫૦૦ રૂપિયા મળતા હોવાનું સામે આવ્યું હતું. જોકે, પોલીસે આ મામલે ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા હોસ્પિટલને એન્જિયોગ્રાફીના ચાર હજાર મળતા હતા અને એન્જિયોગ્રાફી કરનાર ડોક્ટરને ૮૦૦ રૂપિયા અપાતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે એન્જિયોપ્લાસ્ટીના એકથી દોઢ લાખ વસૂલીને ડોક્ટરને ૧૫ હજાર રૂપિયા અપાતા હોવાનો ખુલાસો થયો છે.
સાથે જ પોલીસે હવે આ કેસમાં ફેમિલી એન્ડ વેલ્ફેર પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ પાસેથી કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટરની ટીમની મદદ માગી છે. આ કેસમાં દર્દીઓની ફાઇલ અને ઓપરેશનની સીડીની વિસંગતતા બાબતે તપાસ માટે આ ટીમની મદદ લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી કે, તેણે કેટલાક સમય પહેલા કામ બંધ કરી દીધું હતું, પરંતુ દોઢેક માસથી તેણે આવવાનું શરૂ કર્યું હતું. ડો. પ્રશાંત વજીરાણી પોલીસ કસ્ટડીમાં છે ત્યારે સ્વાભાવિક રીતે તેને લોકઅપમાં રહેવું પડતું હોવાથી અનેક પ્રકારના નાટકો કરી રહ્યો છે.
પહેલા તો આરોપીએ જમવાનો પણ ઈનકાર કર્યાે હતો, પરંતુ હવે પોલીસ પાસે દાળ ભાત મગાવી રહ્યો છે. હોસ્પિટલના ડિરેક્ટ, સીઈઓ, હોદ્દેદારો કોણ છે અને અહીં કયા વિભાગમાં કોણ કામ કરે છે તેની વિગત મેળવવા પોલીસે આરોપીને સાથે રાખીને તપાસ કરી, પરંતુ તમામ લોકો હોસ્પિટલ ખુલ્લી મૂકીને ભાગી ગયા છે.
સાથે જ આ કેમ્પનું આયોજન કોણે કર્યું અને તેમાં કોણ ગયુ હતું તેની પણ તપાસ હાથ ધરાઇ છે. હોસ્પિટલના કન્સલટન્ટ ફેકલ્ટીની પણ તપાસ કરાશે.SS1MS