ડો. પ્રશાંત પટેલના પુસ્તક ‘રુમઝૂમ વાગે ઘૂઘરા’ નું વિમોચન થયું
(પ્રતિનિધિ)વિરપુર, મહીસાગર જિલ્લાના રતનકુવા ગામના અને હાલમાં ગાંધીનગરના બાળ વિશ્વવિદ્યાલયમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કાર્યરત ડો. પ્રશાંત પટેલના સંશોધિત- સંપાદિત પુસ્તક ‘રૂમઝૂમ વાગે ઘૂઘરા’ (મધ્ય ગુજરાતનાં લોકગીતો)નું પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી મૂળુભાઈ બેરા અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાના હસ્તે વિમોચન થયું આ પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમી અનુદાનિત શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે આ પ્રસંગે શ્રી ભાગ્યેશ જ્હા દ્વારા મંત્રીશ્રીને લોકસાહિત્યના આ મહત્વના કાર્યથી અવગત કરવામાં આવ્યાં. આ વિમોચનમાં ડો. રાજેશ મકવાણા, ડો. અજયસિંહ ચૌહાણ અને ડો. નરેન્દ્ર વસાવા હાજર રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓ (મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા) માં ગવાતાં લોકગીતોનું આ પ્રથમ પુસ્તક છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં ડો. પ્રશાંત પટેલે મધ્ય ગુજરાતનો ભૌગોલિક પરિચય આપીને એની સાંસ્કૃતિક ભૂમિકા રજૂ કરવાની સાથે લોકગીતોનો અભ્યાસ આપ્યો છે. આ ઉપરાંત લોકગીતોને જીવનચક્ર અને ઋતુચક્રના આધારે વિભાગીકરણ કર્યું છે. એમાં એના પેટાવિભાગ પણ આપ્યા છે. એ રીતે આ લોકસાહિત્યની વૈજ્ઞાનિક પધ્ધતિએ થયેલું સંશોધન-સંપાદન છે. વિદ્યાર્થીઓ, અધ્યાપકો, અભ્યાસીઓને ઉપયોગી થાય એવું આ મહત્વનું પુસ્તક છે. આપણી વિસરાતી જતી વિરાસતને આ પુસ્તકમાં સાચવી લેવામાં આવી છે.