Western Times News

Gujarati News

રાજ્યના 33 જિલ્લામાંથી 300 મંદિરોના સંતો-મહંતો, પૂજારીઓ ઉપસ્થિત રહ્યા ‘તપોભૂમિ ગ્રંથ’ પુસ્તકના વિમોચનમાં

વરિષ્ઠ પત્રકાર અને સંપાદક શ્રી ડો.વિવેક ભટ્ટ દ્વારા ગુજરાતની આધ્યાત્મિક વિરાસત અને વિકાસની ગાથા વર્ણવતું તપોભૂમિ ગ્રંથપુસ્તક તૈયાર કરાયું

પુસ્તકમાં રાજ્યના યાત્રાધામના વિકાસ સાથે સાથે રોજગારી વિષયક માહિતીનો સમાવેશ

અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘તપોભૂમિ ગુજરાત’ ગ્રંથનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા તથા સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. વરિષ્ઠ ટીવી પત્રકાર અને સંપાદક શ્રી ડો. વિવેક ભટ્ટ દ્વારા 12 વર્ષના અથાગ પરિશ્રમથી તપોભૂમિ ગુજરાત ગ્રંથ તૈયાર કરાયો છે, જેમાં ગુજરાતની આધ્યાત્મિક વિરાસત અને વિકાસની ગાથા વર્ણવાયેલા છે. પુસ્તકમાં રાજ્યના યાત્રાધામના વિકાસ સાથે સાથે રોજગારી વિષયક માહિતીનો સમાવેશ પણ કરાયો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘તપોભૂમિ ગુજરાત’ના ગ્રંથકાર શ્રી ડો.વિવેક ભટ્ટને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ પુસ્તકનો મહિમા સદીઓ સુધી લોકોને યાદ રહેશે અને કામ લાગશે.

સાધુ-સંતોને વંદન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સાધુ-સંતોનું કાર્ય જન-જન સુધી સનાતન ધર્મોને પહોંચાડવાનું અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાનું છે.

તેમણે કહ્યું હતું કે, ગુજરાત સંતો-મહંતોની ભૂમિ છે. ગુજરાતની તપોભૂમિમાં અનેરો મહિમા રહેલો છે. ભગવાન શ્રી રામે પણ વનવાસ દરમિયાન આ ભૂમિમાં વિચરણ કર્યું છે અને પાંડવો પણ અનેક સ્થળો પર આવ્યા છે તેવું ઇતિહાસ કહે છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતની ભૂમિએ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્રભાઇ મોદી જેવા વીરપુરુષો આપ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આપણી સંસ્કૃતિના પાયા પર વિકાસની ઇમારત કરવી એટલે કે ‘વિકાસ ભી, વિરાસત ભી’ તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની નેમ છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ-વિદેશમાં ભારતનો ડંકો વાગ્યો છે.

તેમણે જણાવ્યું કે, સંતો-મહંતોના આશીર્વાદ થકી સૌ સાથે મળી વડાપ્રધાનશ્રીના સંકલ્પ વિકસિત ભારતનું નિર્માણ વિકસિત ગુજરાત થકી કરીએ.

આ પ્રસંગે ગ્રંથકાર શ્રી ડો. વિવેક ભટ્ટે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી તૈયાર કરાયેલ, પત્થર બોલતા હે – ‘તપોભૂમિ ગુજરાત’ ગ્રંથ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. વધુમાં શ્રી વિવેકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાત તપસ્વીઓની ભૂમિ છે.

તેમણે રાજ્યમાં થયેલા વિકાસકાર્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સાચા અર્થમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ સૂત્રને સાર્થક કર્યું છે. રાજ્ય સરકારના મક્કમ ઇરાદાઓના કારણે રાજ્યમાં પ્રવાસન સ્થળોની સાથે સાથે ધાર્મિક સ્થળોનો પણ વિકાસ થયો છે તેવું તેમણે ઉમેર્યું હતું.

તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને યુગપુરુષ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને સંતપુરુષ ગણાવ્યા હતા. વધુમાં તેમણે આનંદપૂર્વક જાહેરાત કરી હતી કે, ભારતીય સનાતન સંસ્કૃતિના 16 સંસ્કારો ઉપર ટૂંક સમયમાં અમે વેબસિરીઝ બનાવીશું.

મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ‘તપોભૂમિ ગુજરાત’ ગ્રંથ વિશેની ફિલ્મ નિહાળી હતી અને ધાર્મિક સ્થળોના સ્વચ્છતાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.આ કાર્યક્રમમાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી 300 જેટલા મંદિરોના સાધુ-સંતો, પૂજારીઓ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડો.અમી ઉપાધ્યાય, પ.પૂ.શ્રી શેરનાથ બાપુ, મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજી, મહામંડલેશ્વર જાનકીદાસ બાપુ, શ્રી સ્વામી યોગેશ્વરાનંદ ગિરીજી, પ.પૂ.શ્રી દિલીપદાસ મહારાજ, પ.પૂ.શ્રી જયરામગિરી બાપુ તથા રાજ્યના વિવિધ મંદિરોના મહંતશ્રીઓ, સંતો, પૂજારીશ્રીઓ, કલાકારો, રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.