વસ્ત્રાલ, ઓઢવ, નિકોલની ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો
થ્રી મિલીયન ટ્રીઝ અંતર્ગત ૧૬ લાખ રોપા લગાવવામાં આવ્યાઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના પૂર્વ વિસ્તારમાં ડ્રેનેજના પ્રશ્નોના કાયમી ઉકેલ લાવવા માટે કોર્પોરેશન દ્વારા ઈસ્ટર્ન ટ્રંક મેઈનમાં કામગીરી કરવામાં આવી છે જેના કારણે વસ્ત્રાલ તેમજ ઓઢવ વોર્ડમાં ડ્રેનેજ બેકીગના પ્રશ્નોની સમસ્યા હળવી બનશે. આ ઉપરાંત મિશન થ્રી મિલીયન ટ્રીઝ અભિયાન અંતર્ગત ૧૬ લાખ કરતા વધુ રોપા લગાવવામાં આવ્યા છે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી વસ્ત્રાલ, ઓઢવ અને નિકોલ વિસ્તારમાં ડ્રેનેજ ઓવરફલો અને બેકીગની સમસ્યા ગંભીર બની રહી હતી આથી પૂર્વ વિસ્તારમાં ડ્રેનેજ પ્રોજેકટ ખાતા દ્વારા હાથીજણ-મેમદાવાદ રોડ તરફ ર હજાર એમએમની ર૧૦૦ મીટર લાઈન નાંખવામાં આવી છે. આ ઉપરાંત હાથીજણ સર્કલ પાસેથી પસાર થતી
મેઈન લાઈનમાં ૧ર૦૦ એમએમ ડાયાનું જોડાણ કરી નવી નાંખવામાં આવેલ ર હજાર એમએમની લાઈન મારફતે વિંઝોલ એસટીપી તરફ ડ્રેનેજની પાણી લઈ જવામાં આવ્યું છે જેમાં ૩૭ મશીન હોલ અને ૮ નંગ પ્રિકાસ્ટ મશીન હોલનું કામ કરવામાં આવ્યું છે. જેના માટે અંદાજે રૂ.૯.૯૭ કરોડનો ખર્ચ થયો છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ઓઢવ ૩૧૦ પંપીંગમાં પાંચમાંથી ૪ પંપ તેની ક્ષમતા મુજબ ચલાવવામાં આવે છે. અગાઉ ત્રણ પંપ જ ચલાવવામાં આવતા હતા.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલ થ્રી મિલીયન ટ્રીઝ અભિયાન અંતર્ગત ૧૬ લાખ ૩૯ હજાર વૃક્ષ લગાવવામાં આવ્યા છે. આ વૃક્ષો માટે ટ્રીગાર્ડ લગાવવા સ્ટેન્ડિગ ચેરમેન, ધારાસભ્યો, સાંસદો અને કોર્પોરેટરાએ રૂ.૧.ર૭ કરોડનું બજેટ ફાળવ્યું છે. ટ્રી-ગાર્ડ સપ્લાય કરનાર કંપની રોજ ૬૦૦ ટ્રી-ગાર્ડ સપ્લાય કરશે. હાલ સેન્ટ્રલ વર્ઝ અને રોડ સાઈડ કરવામાં આવેલ વૃક્ષારોપણના રક્ષણ માટે ૧૯પ૬ નંગ ટ્રી-ગાર્ડ ઉપલબ્ધ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું છે.