ચિત્ર તેમજ નિબંધ સ્પર્ધામાં ઓલપાડની અસ્નાબાદ પ્રાથમિક શાળાની રાજ્ય કક્ષાએ ઝળહળતી સિદ્ધિ
સુરત, સમગ્ર દેશમાં માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ હતું. ભારત સરકાર દ્વારા સંચાલિત સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર અંતર્ગત શ્રેષ્ઠ કાર્ય કરતી શાળાઓને યોગ્ય માપદંડોથી મૂલ્યાંકિત કરી તેને પુરસ્કાર આપી સન્માનિત કરવા માટે રાજ્યકક્ષાએ પણ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારની શરૂઆત કરવામાં આવી છે.
સદર કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા પખવાડાની ઉજવણી વિવિધ શાળાઓમાં કરવામાં આવી હતી. આ દરમિયાન શાળા કક્ષાએથી લઈ રાજ્યકક્ષા સુધીની ચિત્ર, નિબંધ, સ્લોગન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
આ સ્પર્ધામાં સુરત જિલ્લાની ઓલપાડની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અસ્નાબાદ પ્રાથમિક શાળાની ધોરણ-૮ માં અભ્યાસ કરતી પ્રિયંકા સંજયભાઈ પટેલે ચિત્ર સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા બની, જ્યારે ધોરણ-૮ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી દિપક રવિન્દ્રભાઈ યાદવે નિબંધ સ્પર્ધામાં
સમગ્ર રાજ્યમાં તૃતિય ક્રમ મેળવી શાળા, તાલુકા તેમજ જિલ્લાનું નામ રોશન કરેલ છે. જેમને પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલ, બોડકદેવ, અમદાવાદ ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી તથા શિક્ષણ સચિવ વિનોદ રાવનાં હસ્તે પ્રમાણપત્ર તેમજ મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતાં.
બંને વિદ્યાર્થીઓની આ ઝળહળતી સિદ્ધિ બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર મહેશભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.
બીજી તરફ એસ.એમ.સી. સભ્યો તથા ગ્રામજનોએ શાળાનાં આચાર્ય અમિત પટેલ તથા માર્ગદર્શક શિક્ષિકા શ્રીમતી કલ્પના પટેલ સહિત સમગ્ર સ્ટાફની કામગીરીને આ તબક્કે બિરદાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.