R&D દ્વારા ડીઆરડીઓ વધુને વધુ આત્મનિર્ભર બને તે સમયની માંગ: રાજનાથસિંહ
12મા ડિફેન્સ એક્સપો- 2022: અંતગર્ત મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ‘આત્મનિર્ભર ઇન ડિફેન્સ R&D સિનર્જિસ્ટિક અપ્રોચ’ વિષયક સેમિનાર યોજાયો
12મા ડિફેન્સ એક્સપો- 2022: અંતગર્ત મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન- DRDOના ઉપક્રમે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં તેમજ સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી અજય ભટ્ટની ઉપસ્થિતિમાં ‘આત્મનિર્ભર ઇન ડિફેન્સ R&D સિનર્જિસ્ટિક અપ્રોચ’ વિષયક સેમિનાર યોજાયો હતો.
રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ -R&D દ્વારા ડીઆરડીઓ વધુને વધુ આત્મનિર્ભર બને તે સમયની માંગ છે જેમાં કેન્દ્ર સરકાર જરૂરી તમામ સહયોગ કરવા તત્પર છે તેમ, આજે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સેમિનારમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે કહ્યું હતું.
મંત્રીશ્રીએ DRDOની ટીમને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે નવા લક્ષ્યાંક અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઇનોવેશન અને રિસર્ચ જરૂરી છે. માનવ જીવનની શરૂઆતમાં માનવે કૃષિ આધારિત કલ્ચર ત્યારબાદ અનાજના સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું આ રીતે તબક્કા વાર પૃથ્વી પર માનવીય જીવનના વિકાસનો પ્રારંભ થયો. આપણે શરૂઆતમાં સૂર્યપ્રકાશનો મર્યાદિત ઉપયોગ કરતા હતા પણ અત્યારે નવીન શોધ થકી સૂર્યપ્રકાશમાંથી શુદ્ધ સૂર્ય ઊર્જા એટલે કે સોલર એનર્જી પ્રાપ્ત કરીએ છીએ આ તમામ માનવ જીવનમાં નવીન સંશોધનોના પરિણામે શક્ય બન્યું છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, પૃથ્વી પરની તમામ વસ્તુઓમાં કોઈને કોઈ ગુણો રહેલા છે તેને આપણે શોધીને યોગ્ય ઉપયોગ કરવાનો છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, DRDOએ માત્ર ડિઝાઇન નહીં પણ સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી ભારતીય કંપનીઓ માટે લેબનું કાર્ય કરે છે જે આપણા સૌ માટે ગૌરવ સમાન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાંઆઝાદી બાદ આપણે પ્રથમ વાર સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે સરકાર, પીપીપી અને ખાનગી કંપનીઓના સંયુક્ત પ્રયાસોથી સંરક્ષણ ક્ષેત્રે નવા આયામો સર કર્યા છે. પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આપણે ‘મેક ઇન ઇન્ડિયા’ જ નહીં પણ ‘મેક ફોર વર્લ્ડ’ના લક્ષ્યાંકને પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ તેવો વિશ્વાસ વ્યક્ત કરીને મંત્રીશ્રીએ DRDOની સમગ્ર ટીમને સિદ્ધિઓ તેમજ સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી.
સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી અજય ભટ્ટે જણાવ્યું હતું કે માત્ર વ્યક્તિએ જ નહીં પણ પરિવાર તેમજ ભારતના તમામ સંરક્ષણ દળોએ આત્મનિર્ભર બનવું જોઈએ.
વૈશ્વિક સંસ્થા SIPRIના અહેવાલ મુજબ સંરક્ષણ નિકાસમાં વિશ્વના ટોપ 25 દેશોમાં ભારતે પોતાનું સ્થાન મેળવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાંઆર્થિક સત્તાઓમાં પણ ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. ભારતીય સરહદ પરના ગલવાન ઘાટીનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે આ વર્ષ 1962નું નહીં પણ 2021નું ભારત છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે આયાતકારની નહીં પણ નિકાસકારની ભૂમિકામાં છે.નયા ભારતે અત્યાર સુધીમાં રૂ.13,000 કરોડની સંરક્ષણ ઉપકરણોની નિકાસ કરી છે જેમાં ડીઆરડીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. આપણે બ્રહ્મોસ, પિનાક, અગ્નિ ,પૃથ્વી જેવી સ્વદેશી મિસાઈલો તૈયાર કરીને વિશ્વ માટે પાથેયની ભૂમિકા ભજવી છે જેમાં DRDO સહિત વિવિધ સંસ્થાઓની મહેનત રંગ લાવી છે તેમ, જણાવી મંત્રીશ્રીએ તમામને શુભેચ્છાઓ આપી હતી.
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ તેમજ સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી અજય ભટ્ટની પ્રેરક ઉપસ્થિતિમાં વ્યક્તિગત કેટેગરીમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે વિશેષ સંશોધન બદલ પ્રથમ ત્રણ વૈજ્ઞાનિકોને એવોર્ડ અનેરૂ.10 લાખ સુધીની ઇનામી રકમ આપીને સન્માનિત કર્યા હતા.
સંરક્ષણ મંત્રીશ્રીના હસ્તે DRDOના ‘Dare to Dream 4.0’,ગાઇડલાઇન્સ,વિવિધ મોનોગ્રાફ, Aware of DOAS તેમજ ‘8 યસૅ મેજર અચિવમેન્ટ્સ ઑફ ડીઆરડીઓ (2014-2022)નું બુકનું પણ આ પ્રસંગે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મંત્રીશ્રી સહિતમહાનુભવોની ઉપસ્થિતિમાં DRDOએ ભારતની પ્રતિષ્ઠિત સાત IIT સાથે એમઓયુ સાઇન કર્યા હતા. જેમાં IIT કાનપુર, રૂરકી, જોધપુર, ખડકપુર, હૈદરાબાદ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.
DRDOના ચેરમેન ડૉ.સમીર કામતે સ્વાગત કરતાં ડીઆરડીઓની ભૂમિકા, સિદ્ધિઓ તેમજ સેમિનારની રૂપરેખા આપી હતી. DSTAના ડાયરેક્ટર ડૉ. એન.રંજના નાલ્લામલ્લાઈએ આભાર વિધિ કરી હતી.
ડિફેન્સ ક્ષેત્રે કાર્યરત વિવિધ તજજ્ઞો, સરકારી- ખાનગી કંપનીઓના સંયુક્ત પ્રયાસોથી ભારતને સંરક્ષણ ઉત્પાદનમાં વધુ આત્મનિર્ભર અને તેના થકી નિકાસમાં કેવી રીતે અગ્રેસર બનાવવું તે અંગે ઉપસ્થિત મહાનુભવોએ પોતાના વિચારો- અનુભવો રજૂ કર્યા હતા.
આ સેમિનારમાં ભારતીય નેવીના વડા એડમિરલ શ્રી આર.હરિકુમાર,સંરક્ષણ સલાહકાર ડૉ. જી.સતીશ રેડી,સંરક્ષણ મંત્રાલય સહિત વિવિધ સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને તજજ્ઞો સહભાગી થયા હતા.