અંકલેશ્વરમાંથી શંકાસ્પદ મિથેનોલ કેમિકલ ભરેલા ટેન્કર સાથે ડ્રાઈવરની અટકાયત
૪.૩૨ લાખનું ૨૪,૦૦૦ લીટર મીથેનોલ કેમિકલ,૧૦ લાખનું ટેન્કર તેમજ મોબાઈલ મળી ૧૪.૩૭ લાખનો મુદ્દામાલ જપ્ત
(પ્રતિનિધિ)ભરૂચ, અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેન્ટ ચોકડી પાસે એક ટેન્કર શંકાસ્પદ લાગતા પોલીસે તેને રોકી પૂછપરછ કરતાં તેમાં રહેલું મિથેનોલ કેમિકલ અંગેના બિલ અને અન્ય ડોક્યુમેન્ટની માંગણી કરતા ડ્રાઈવરે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે ૧૪ લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ભરૂચ એલસીબીના પી.એસ.આઈ જે એન ભરવાડ પોતાની ટીમ સાથે ગતરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં પેટ્રોલિંગમાં હતી.
તે દરમ્યાન માહિતી મળી હતી કે એશિયન પેન્ટ ચોકડી પાસેથી ટેન્કર નંબર એમએચ ૪૬ સીએમ ૩૫૯૮ માં શંકાસ્પદ કેમિકલનો જથ્થો ભર્યો છે.જેના આધારે પોલીસે તેને રોકવામાં આવ્યો હતો અને તેમાં રહેલું ૨૪૦૦૦ લીટર મિથેનોલ કેમિકલ જથ્થા અંગે ડ્રાઈવરની પૂછપરછ કરતા તેની પાસે કોઈપણ જાતના બિલ કે ડોક્યુમેન્ટ મળ્યા ન હતા.જેથી તેના નામની પૂછપરછ કરતા તેણે સુરજીતસિંહ રબેલસિગ હોવાનું જણાવ્યું હતું.હાલ તો પોલીસે શંકાસ્પદ કેમિકલ જેની કિંમત રૂપિયા ૪,૩૨,૦૦૦,ટેન્કરની કિંમત ૧૦ લાખ તેમજ મોબાઈલ મળી ૧૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.