9 લાખના અફીણના જીંડવા ભરેલી ગાડી મૂકી ડ્રાયવર નાસી ગયો
ગમલા ગામે રોડ પરથી ૯.૦૯ લાખ ઉપરાંતની કિંમતનો અફીણના જીંડવાનો જથ્થો ઝડપાયો
(પ્રતિનિધિ)દાહોદ, કતવારા પોલીસે સાંજે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ લાગતી પૂરપાટ દોડી જતી ડસ્ટર ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતા ડસ્ટર ગાડીનો ચાલક તેના કબજાની ગાડી ગમલા ગામે તબેલા ફળિયામાં મૂકી નાસી જતા,
તે ગાડીમાંથી પોલીસે રૂપિયા ૯.૦૯ લાખ ઉપરાંત ની કિંમતના અફીણના જીંડવા (પોષ ડોડા) ભરેલ પ્લાસ્ટિકના મીણીયાના થેલાઓ નંગ-૧૬ પકડી પાડી રૂપિયા ત્રણ લાખની કિંમતની ડસ્ટર ગાડી મળી કુલ રૂપિયા ૧૨,૦૯,૧૨૦/-નો મુદ્દામાલ કબજે લીધાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગતરોજ સાંજના છ વાગ્યાના સુમારે કતવારા પોલીસની ટીમ સરકારી વાહન લઇ પોતાના પોલીસ પથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી પુરપાટ દોડી આવતી જીજે.૦૧.કેઆર.૯૮૩૨ નંબરની ડસ્ટર ગાડી પોલીસને શંકાસ્પદ લાગી હતી. જેથી પોલીસે તે ગાડીને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો. તેમ છતાં તે ગાડીના ચાલકે પોતાની ગાડી ઉભી ન રાખી ભગાવી મૂકી હતી.
જેથી પોલીસને પોતાની શંકા સાચી લાગતા પોલીસે તે ડસ્ટર ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતા ડસ્ટર ગાડીનો ચાલક તેના કબજાની ડસ્ટર ગાડી ગમલા ગામે તબેલા ફળિયામાં રોડ પર મૂકી પલાયન થઈ ગયો હતો. જે ગાડી પોલીસે પકડી ગાડીની તલાસી લઈ ગાડીમાંથી પોલીસે અફીણના જીંડવા (પોષ ડોડા) ભરેલ પ્લાસ્ટિક મીણીયાના થેલાઓ નંગ-૧૪ તથા ગાડીમાં છુટા મળી આવેલ
અફીણના જીંડવા ભરેલ પ્લાસ્ટિક મીણીયાના થેલા નંગ-૨ મળી રૂપિયા ૯,૦૯,૧૨૦/-ની કુલ કિંમતના ૩૦૩.૦૪૦ કિલોગ્રામ કુલ વજનના અફીણના જીંડવા ભરેલ પ્લાસ્ટિક મીણીયાના થેલાઓ નંગ-૧૬ પકડી પાડી સદર અફીણના જીંડવાના જથ્થાની ગેરકાયદેસર હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ત્રણ લાખની કિંમતની રેનોલ્ટ કંપનીની ડસ્ટર ગાડી મળી કુલ રૂપિયા ૧૨,૦૯,૧૨૦/-નો મુદ્દામાલ કબજે લઈ
આ સંદર્ભે કતવારા પોલીસે પોતાના કબજાની ડસ્ટર ગાડી મૂકી પલાયાન થઈ ગયેલા ડસ્ટર ગાડીના ચાલક વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ૧૯૮૫ ની કલમ ૧૫(સી) મુજબ નાર્કોટિક્સનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.