હેલ્મેટ વગર બે વખત વાહન ચલાવતા પકડાયા તો લાઈસન્સ સસ્પેન્ડ થઈ શકે છે
(એજન્સી)અમદાવાદ, હેલ્મેટ નિયમો લાગુ કરવા અને સરખેજ-ગાંધીનગર એસ.જી. હાઈવે પર રોંગ સાઈડમાં વાહન ચલાવવાને રોકવા માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ શહેર ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ૧૨ ઓગસ્ટ સુધીમાં પોલીસે ૧૬,૩૧૦ ટૂ-વ્હીલર વાહન ચાલકો અને હેલ્મેટ વિના પકડાયેલા પીલિયન રાઇડર્સને પકડ્યા છે અને તેમની પાસેથી કુલ ૮૨.૧૮ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
વધુમાં મુખ્યત્વે જીય્ હાઈવે પર રોંગ સાઈડ ડ્રાઈવિંગના ૧૧૩૬ કેસ નોંધાયા હતા અને ૨૦.૦૬ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર હેલ્મેટ ન પહેરવા બદલ પ્રથમ ગુનામાં ૫૦૦ રૂપિયાનો દંડ અને બીજા ગુનામાં ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો ત્રીજો ગુનો નોંધાય તો ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે.
શહેર ટ્રાફિક પોલીસે ચેતવણી આપી છે કે તેમણે વ્યાપક જાગૃતિ ઝુંબેશ હાથ ધરી છે અને હવે કડક અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) એનએન ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે ટ્રાફિકનું ઉલ્લંઘન કરનારાઓ પ્રત્યે ખૂબ જ કડક વલણ અપનાવી રહ્યા છીએ. બેથી વધુ વખત હેલ્મેટ વિના દ્વિચક્રી વાહન ચલાવતા અથવા પીલિયન સવારી કરતા પકડાયેલા લોકોનું ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.