બહેરામપુરામાં નશાખોર પુત્રે માતાનું ઘર સળગાવી દીધું
(એજન્સી)અમદાવાદ, બહેરામપુરા વિસ્તારમાં નશાખોર યુવકે નશાની હાલતમાં પોતાની જ વિધવા માતાના ઘરને આગ ચાંપી દીધી હોવાની ઘટના બની છે. યુવકે નશાની હાલતમાં જ પોતાના ઘરમાં રહેલાં ગાદલાને આગ ચાપી દેતાં જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ લીધું હતું. અને આગની લપેટમાં રસોડામાં રહેલો રાંધણગેસનો બાટલો પણ ફાટયો હતો. યુવકની માતાએ પુત્ર વિરૂધ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
બહેરામપુરામાં રહેતા ૪પ વર્ષીય વિધવા મહીલા લીલાબેન ખુમાણ હેલ્થકેરના નોકરી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમનો રપ વર્ષીય પુત્ર વિજય છુટક મજુરી કરે છે.
જોકે નશો કરવાની આદત ધરાવતા વિજય અવારનવાર ચાલીના લોકો સાથે ઝઘડો કરતા હોવાથી લોકો પણ ત્રાસી ગયા હતા. ઘરમાં પણ માતા સાથે રોજ નશાની હાલતમાં તકરાર કરતો હતો.
૯ ઓકટોબરના રોજ લીલાબેન નોકરીએ ગયા હતા. અને વિજય નશો કરીને ઘરે આવ્યો હતો. ત્યારે ચાલીના લોકો સાથે ઝઘડો કર્યોો હતો અને એ પછી ઘરમાં આવી કપડાં તથા ગાદલાને દીવાસળી ચાંપી દીધી હતી.જોતજોતામાં ઘર આગની લપેટમાં આવી ગયું હતું. વિજયે રસોડામાં રહેલો ગેસનો બાટલો પણ સળગતાં ગાદલામાં ફેકીને ભાગી ગયો હતો.
આગમાં ગેસનો બાટલો પણ ફાટયો હતો. આગ લાગતાં આસપાસનાં લોકોએ ફાયરબ્રીગેડને જાણ કરતા ફાયરની ત્રણ ગાડીઓને ઘટના સ્થળે પહોચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. બીજી તરફ આસપાસના લોકોએ લીલાબેનને જાણ કરી હતી. આ અંગે લીલાબેને પુત્ર વિજય સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.