ચામાં નશીલા પદાર્થની મિલાવટ પકડાઈઃ ફુડ વિભાગ ચોક્યું
ચા પીતાં સો વાર વિચારજાે ગોધરામાં નશીલી ચા પકડાઈ
અમદાવાદ, ગુજરાતમાં ભેળસેળિયાઓને જાણે મોકળુ મેદાન મળ્યું છે. ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરતા કોઈનો ડર જ રહ્યો નથી હવે તો ચામાં ય ભેળસેળ થવા માંડી છે. ચા રસિયાઓએ પણ સચેત રહેવાની જરૂર છે કેમકે, પંચમહાલના ગોધરામાં નશીલા પદાર્થની મિલાવટવાળી ચા પકડાઈ છે. નશીલા પદાર્થવાળી ચા જાેઈને એફએસએલ-ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.
ગોધરા શહેરમાં લાલબાગ ટેકરી પાસે આવેલી મહાકાળી ટી સ્ટોલમાં ચામાં નશીલા પદાર્થની મિલાવટ કરવામાં આવે છે તેવી બાતમી આધારે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં એવું તારણ બહાર આવ્યું છે કે, ચામાં શંકાસ્પદ પદાર્થની ભેળસેળ કરવામાં આવી રહી છે. રાજયના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો. હેમંત કોશિયાએ જણાવ્યું કે પ્રાંત અધિકારીએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી હતી કે ચામાં નશીલા પદાર્થની ભેળસેળ થઈ રહી છે.
આ જાેતા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ચા ઉપરાંત ચામાં ભેળવાતા પદાર્થના નમૂના લઈ વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલી અપાયા છે હવે રિઝલ્ટ બાદ ખબર પડશે કે ચામાં કયા પદાર્થની મિલાવટ થઈ રહી હતી. નમૂનાના પરિણામ બાદ ટી સ્ટોલના માલિક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.