આખરે ડ્રગ પેડલર અમી પાસા હેઠળ જેલમાં ધકેલાઈ
પોલીસ દ્વારા અમીને સુધારવા માટે અનેક પ્રયાસો કર્યા છતાં સુધરવાનું નામ લેતી ન હોય લેવાયેલું આકરું પગલું:
ડ્રગ્સના વેચાણને અટકાવવા માટે પોલીસનું મહત્ત્વનું પગલું-રાજકોટની ડ્રગ પેડલર અમી ચોલેરાને પાસા હેઠળ સાબરમતિ જેલમાં ધકેલતી એસઓજી
રાજકોટ, રાજકોટમાં ડ્રગ્સના વેચાણને નેસ્તોનાબૂદ કરી નાખવા માટે પોલીસે કમર કસી લીધી છે અને સઘન ચેકિંગ કરીને ડ્રગ્સના બંધાણીઓ તેમજ પેડલરોને પકડવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ડ્રગ્સના વેચાણમાં વારંવાર પોલીસ ચોપડે ચડી ચૂકેલા પેડલરોને પાસા હેઠળ અન્ય જિલ્લાની જેલમાં ધકેલવાનું શરૂ કરવામાં આવતાં ફફડાટ ફેલાઈ ગયો છે.
આવી જ એક મહિલા ડ્રગ પેડલર અમી ચોલેરાની એસઓજીએ પાસા હેઠળ અટકાયત કરી સાબરમતિ જેલમાં ધકેલવામાં આવી છે. એસઓજી દ્વારા અગાઉ બે વખત ડ્રગ્સ વેચાણ મામલે પોલીસ ચોપડે ચડી ચૂકેલી અમી દિલીપભાઈ ચોલેરા (ઉ.વ.23) સામે ‘પીઆઈટી એનડીપીએસ) કાયદા હેઠળ દરખાસ્ત તૈયાર કરી
તે દરખાસ્ત એડીજીપી (સીઆઈડી ક્રાઈમ) સુભાષ ત્રિવેદીને મોકલી હતી. આ દરખાસ્ત મંજૂર કરતા અમી સામે વોરંટ ઈશ્યુ કરી તેની અટકાયત કરીને અમદાવાદની સાબરમતિ જેલમાં મોકલી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમી ચોલેરા અગાઉ પણ ડ્રગ્સનું સેવન તેમજ વેચાણ કરતી પકડાયા બાદ પોલીસે તેને સુધારવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ તે સુધરવાનું નામ જ લેતી ન હોય અંતે પોલીસે તેની સામે લાલ આંખ કરીને આકરું પગલું ઉઠાવતા અન્ય સપ્લાયરોમાં ફફડાટ ફેલાઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.