રસમાં દવા આપી બેહોશ કરી રોકડ-દાગીના લૂંટી લીધા

અમદાવાદ, માધુપુરાના વૃદ્ધા રિક્ષામાં ચાંદલોડિયા રહેતા ભાઇના ઘરે જતા હતા ત્યારે રિક્ષામાં અગાઉથી બેઠેલી બે મહિલાએ રિક્ષાચાલક સાથે મળીને વૃદ્ધાને જબરદસ્તીથી શેરડીના રસમાં દવા આપીને બેહોશ કર્યાં હતા.
બાદમાં દાગીના સહિતની ૪૮ હજારની મતા લૂંટી લીધી હતી. બીજા દિવસે વૃદ્ધા ભાનમાં આવ્યા ત્યારે તે અડાલજમાં અવાવરુ જગ્યાએ હતા. માધુપુરા પોલીસે ગુનો નોંધીને લૂંટ કરતી ગેંગ શોધવા તજવીજ હાથ ધરી છે. માધુપુરામાં રહેતા ૬૦ વર્ષીય કંચનબેન બોડાણા ચાંદલોડિયામાં રહેતા તેમના ભાઇના ત્યાં જવા નીકળ્યા હતા. દુધેશ્વરથી તે રિક્ષામાં બેઠા ત્યારે બે મહિલા પેસેન્જર બાળકો સાથે હતી.
દુધેશ્વરથી આગળ નીકળીને મહિલાઓએ શેરડીનો રસ પીવા માટે રિક્ષા ઊભી રખાવી હતી. ત્યારે આ મહિલાઓએ કંચનબેનને પણ જબરદસ્તીથી શેરડીનો રસ પીવડાવ્યો હતો. ત્યારબાદ રિક્ષા ચાંદલોડીયા તરફ હંકારી હતી. બીજા દિવસે કંચનબેન અડાલજ પાસે બેભાન અવસ્થામાં હતા અને ભાનમાં આવ્યા ત્યારે જોયું તો તેમના દાગીના અને સામાન મળી કુલ ૪૮ હજારની મતા ગાયબ હતી.
જેથી તે ગભરાઇ ગયા હતા અને તેમણે રસ્તા પર આવીને એક વ્યક્તિની મદદ લઇને ઘરે પહોંચ્યા હતા. બીજી તરફ કંચનબેનના પરિવારજનોએ માધુપુરા પોલીસને કંચનબેનના ગુમ થવા અંગે જાણવા જોગ ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારે પોલીસે કંચનબેનની ફરિયાદને આધારે ગુનો નોંધીને સીસીટીવી ફુટેજના આધારે રિક્ષાની ભાળ મેળવવા તપાસ શરૂ કરી છે.SS1MS