અમદાવાદના રામોલમાંથી ૧૨ લાખનું ડ્રગ્સ પકડાયું
અમદાવાદ, શહેરનો રામોલ વિસ્તાર ગુનાખોરી માટે જાણીતો છે જ, પણ હવે ગુનાખોરી સાથે આ વિસ્તાર ડ્રગ્સ માટે પણ જાણીતો બની ગયો છે. અગાઉ પોલીસના પીઠબળથી દેશી અને વિદેશી દારૂના સ્ટેન્ડ ચાલતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે ડ્રગ્સનો વેપલો થતો હોવાનું પકડાયું છે. સ્થાનિક પોલીસ અને અધિકારીઓના પીઠબળથી જ દારૂ અને ડ્રગ્સના ધંધા વધ્યા હોવાની ચર્ચા ચાલી છે.
એકતરફ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ડ્રગ્સનું દૂષણ ડામવા માટે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી રહ્યા છે. ત્યારે તેમના જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ગરીબની માફક રૂપિયાની લ્હાયમાં પેડલરોને પોતાના વિસ્તારમાં આશરો આપી લોકોને નશાના રવાડે ચઢાવવામાં મદદ કરી રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. એવી પણ ચર્ચા છે કે, અહીંના એક અધિકારી રાત્રે દૂર આવેલા ઘરે જવાની લ્હાયમાં પોતાનો વિસ્તાર ભગવાન ભરોસે અને ગુનેગારોના ભરોસે મૂકી દેતા હોવાથી અહીં હવે ડ્રગ્સ પેડલરો પણ સક્રિય થતાં પોલીસની પોલ ખૂલી ગઈ છે.
ત્યારે અગાઉ જેમ રામોલ પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂના જથ્થા ઝડપાતા હતા. ત્યારે છેલ્લા ઘણાં સમયથી અનેકવાર ડ્રગ્સ તથા હથિયાર સાથે આરોપીઓ ઝડપાઇ રહ્યા છે. ત્યારે એસઓજીએ ફરી એકવાર રામોલમાંથી ૧૨ લાખના ૧૨૪ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓ મુંબઈની એક મહિલા પાસેથી ડ્રગ્સ મેળવી છૂટકમાં વેચાણ કરતા હતા.
ત્યારે પકડાયેલા બંને આરોપીઓ પણ નશાની ટેવવાળા હોવાથી પોતાના વ્યસન માટે ખર્ચો કાઢવા અને વધુ કમાણી માટે આ ડ્રગ્સ ઉંચી કિમત પર પડીકીઓ સ્વરૂપે વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તો હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આરોપીઓએ અગાઉ કેટલી વાર ડ્રગ્સ મંગાવ્યું છે અને કેટલા લોકોને વેચ્યું છે તે અંગે તપાસ શરૂ કરી દીધી છે. તો ફરી એક વાર ડ્રગ્સ કેસમાં મુંબઈ લાઇન સામે આવતા પોલીસે તે લાઈન તોડવા માટે પૂરતા પ્રયાસ શરૂ કર્યા છે.
એસઓજી ક્રાઇમને બાતમી મળી હતી કે, કેટલાક લોકો એમડી ડ્રગ્સનો જથ્થો લઇને રામોલના જનતાનગર પાસેથી નીકળવાના છે.
જેને લઈને એસઓજીએ રામોલ જનતાનગર જઈને વોચ ગોઠવી બે આરોપી અલ્લારખા ઉર્ફે અડુ શેખ અને ઇકબાલખાન પઠાણની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ બુલેટ પર ડ્રગ્સનો જથ્થો વેચવા નીકળ્યા હતા. ત્યારે એસઓજીની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચીને બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ બુલેટ પર જઇને ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપીઓ મુંબઇના માંડવીના અમરીનખાન પાસેથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યા હોવાનું સામે આવ્યું છે.
આરોપી અલ્લારખા ઉર્ફે અડુ શેખ અને ઇકબાલખાન પઠાણ રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે, પણ છેલ્લા એકાદ વર્ષથી રીક્ષા ડ્રાઇવિંગના ધંધામાં વધુ કમાણી ન થતા તેમણે ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું. આરોપીઓ રામોલના જનતાનગર, દાણીલીમડા અને સારંગપુર પાણીની ટાંકી તથા રિવરફ્રન્ટ પાસે લોકોને ડ્રગ્સ વેચતા હતા. આરોપીઓ પાસેથી એસઓજીએ ૧૨ લાખનું એમડી ડ્રગ્સ કબજે કર્યું છે. જે ડ્રગ્સનો જથ્થો મુંબઈના માંડવીની અમરીનખાન પાસેથી લાવતા અને અમદાવાદના અલગ અલગ શહેરોમાં વેચતા હતા.
મુંબઇની અમરીન પહેલાં અમદાવાદના કોટ વિસ્તારમાં સાસરે રહેતી હતી, પણ તેને સાસરામાં કોઇ અણબનાવ બનતા તે મુંબઇ જતી રહી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આરોપી અલ્લારખા મારામારી, પ્રોહિબિશન, જુગાર અને બોગસ કોલ સેન્ટરના ગુનામાં અગાઉ ઝડપાઇ ચૂક્યો છે. જ્યારે આરોપી ઇકબાલખાન પઠાણ મારામારી અને પ્રોહિબિશનના ગુનામાં પણ ઝડપાઇ ચૂક્યો છે. આરોપીઓ એક હજારનું ડ્રગ્સ બે હજાર ૨૫૦૦માં વેચતા હોવાથી માત્ર પૈસા માટે અને પોતાના નશાના ખર્ચને પહોંચી વળવા જ એક વર્ષથી પેડલર બન્યા હોવાનું સામે આવ્યું છે.
એસઓજી ક્રાઇમે અત્યાર સુધીમાં અનેક વાર રામોલ પોલીસ સ્ટેશનની હદમાંથી ડ્રગ્સ ઝડપી પાડતા આ વિસ્તાર હવે ડ્રગ્સના વેચાણ માટે હોટસ્પોટ બન્યું હોવાનું લાગી રહ્યું છે. અત્યાર સુધીમાં રામોલ વિસ્તાર દારૂ અને હથિયાર માટે તો પ્રખ્યાત હતો પણ હવે ડ્રગ્સનું હબ બની જતા અનેક યુવાધન બરબાદ કરવાનું કામ પણ ડ્રગ્સ પેડલરોની સાથે સ્થાનિક પોલીસ કરી રહી હોવાનું કહેવું અયોગ્ય નથી. ત્યારે સ્થાનિક અધિકારીઓ સામે શહેર પોલીસ કમિશનર કોઇ પગલાં લે છે કે માત્ર તમાશો જાેયે રાખે છે તે સવાલ છે.