ચરસના ધંધામાં 10 વર્ષની સજા કાપીને આવેલા યુવકે બહાર નિકળી ફરી ડ્રગ્સનો ધંધો ચાલુ કર્યો
લાલ દરવાજા પાસેથી રૂ.ર૭ લાખના એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો -ડ્રગ્સ માફિયાની ધરપકડ બાદ કોટ વિસ્તારના મોટા માથાના નામ ખૂલે તેવી શક્યતા
આરોપી જેલમાંથી બહાર આવ્યો હતો
ફરહાન ડ્રગ્સ માફિયા તરીકે પંકાયેલો છે તેવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ફરહાન પહેલાં ચરસનો ધંધો કરતો હતો જેમાં તેની ધરપકડ થઈ હતી. ચરસના કેસમાં ફરહાન દસ વર્ષ સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહીને આવ્યો હતો. જેલની સજા પૂરી થયા બાદ ફરહાન બહાર આવ્યો હતો અને જ્યાં તેણે એમડી ડ્રગ્સનો ધંધો શરૂ કરી દીધો હતો.
અમદાવાદ, ડ્રગ્સના મામલે ગુજરાતે હવે પંજાબને પણ પાછળ છોડી દીધું છે. યુવાઓ એમડી, કોકેન, હેરોઈન, ગાંજો, ચરસ, કફ સિરપ સહિતના ડ્રગ્સ ના રવાડે ચઢીને પોતાનું ભવિષ્ય બગાડી રહ્યા છે. ત્યારે પોલીસ યુવાઓને બચાવવા તેમજ ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ડ્રગ્સ પર વાર એ પોલીસનું સાચું અભિયાન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ રાત-દિવસ એક કરીને ડ્રગ્સ માફિયાઓને ઝડપી રહી છે.
મધદરિયે રિસકી ઓપરેશન પાર પાડીને હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડતી ગુજરાત એટીએસની ટીમ હવે મેદાનમાં ઉતરી છે. ગુજરાત એટીએસની ટીમે લાલ દરવાજા જેવા સંવેદનશીલ વિસ્તારમાંથી ર૭ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડયું છે. બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમે લાલ દરવાજા ખાતે ઓપરેશન પાર પાડયું હતું.
અમદાવાદ સહિત ગુજરાતમાં ડ્રગ્સ નામનું દૂષણ એટલી હદે વધી ગયું છે કે યુવા પેઢી બરબાદીના રસ્તે જઈ રહ્યા છે. અમદાવાદમાં એમડી સિવાય અન્ય ડ્રગ્સ લેવાનો ક્રેઝ એટલો વધી ગયો છે કે યુવાઓ નશેડીમાંથી પેડલર બની ગયા છે. ગુજરાતને ડ્રગ્સ માફિયાઓએ એપી સેન્ટર બનાવી દીધું છે ત્યારે ડ્રગ્સ નામના દૂષણને ડામવા માટે સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
ડ્રગ્સ માફિયાઓએ બનાવેલી માયાજાળને પોલીસ એજન્સીઓ ક્રેક કરની પેડલરથી લઈને માફિયા સુધી પહોંચી રહી છે. ગુજરાત એટીએસની ટીમે આવો જ એકધડાકો કર્યો છે અને ડ્રગ્સ માફિયાઓની સિન્ડિકેટ સુધી પહોંચી ગઈ છે. એટીએસની ટીમે લાલ દરવાજા ખાતેથી ર૭ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ફરહાન નામના ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી છે. ફરહાનની ધરપકડ બાદ કોટ વિસ્તારમાં એમડી ડ્રગ્સનો ધંધો કરતાં મોટા માથાના નામ સામે આવે તેવી શક્યતા છે. ફરહાન વર્ષોથી ડ્રગ્સનો ધંધો કરવા માટે સંકડાયેલો છે.
નશામાં ગુજરાત કે પછી ઉડતા ગુજરાત આ વાત કહેવી કંઈ ખોટી નથી કારણ કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સહિત ગુજરાતના ખૂણેખૂણે ડ્રગ્સનો કારોબાર એટલો બધો વધી ગયો છે જેના કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે. ગુજરાતના દરિયાઈ રસ્તાનો ઉપયોગ કરીને પાકિસ્તાનીઓ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘૂસાડી રહ્યા છે.
ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ અનેક વખત પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે પરંતુ ડ્રગ્સ માફિયાઓએ પોતાનું નેટવર્ક અમદાવાદ સહિત ગુજરાતમાં એવી રીતે ઘૂસાડી દીધું છે કે જેનો હિસ્સો એજ્યુકેટેડ લોકો પણ બની ગયા છે. યુવકો અને યુવતીઓ ડ્રગ્સના નશામાં એવી રીતે ડૂબી ગયા છે કે હવે ડ્રગ્સ માફિયાઓને ફાવતું મળી ગયું છે. ડ્રગ્સ માફિયાઓને તો પોલીસ રોકી રહી છે પરંતુ નશો કરનારને પકડવા માટે પણ પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે.
ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે, લાલ દરવાજા હનુમાન ગલી ખાતે રહેતો ફરહાન નામનો યુવક એમડી ડ્રગ્સ વેચી રહ્યો છે. બાતમીના આધારે એટીએસની ટીમે વોચ ગોઠવી હતી અને ફરહાન નામના યુવકની અટકાયત કરી લીધી હતી. ફરહાન પાસેથી પપ ગ્રામ જેટલો સફેદ પાઉડર મળી આવ્યો હતો. ફરહાને તો સફેદ પાઉડર એમડી ડ્રગ્સ હોવાની કબૂલાત કરી લીધી હતી. પરંતુ એટીએસની ટીમે એફએસએલની મદદ લીધી હતી.
એટીએસની ટીમે તાત્કાલિક એફએસએલની ટીમને બોલાવી લીધી હતી. એફએસએલની ટીમે સફેદ પાઉડરનું પરીક્ષણ કરતાં તે એમડી ડ્રગ્સ હોવાનો રિપોર્ટ આપ્યો હતો.
રિપોર્ટ આપતાની સાથે એટીએસની ટીમે ફરહાનની ધરપકડ કરી લીધી હતી. એટીએસની કચેરીમાં ફરહાનની આગવી સ્ટાઈલથી પૂછપરછ થતાં તેણે અનેક ચોંકાવનારી કબૂલાત કરી છે. ફરહાન કોની પાસેથી ડ્રગ્સ લાવે છે તેની માહિતી એટીએસને આપી દીધી હતી. માહિતી મળતાની સાથે જ એટીએસની ટીમે ડ્રગ્સ માફિયાને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
ફરહાનનો આકા વસીમ હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ડ્રગ્સના ધંધામાં ફરહાન એટલો માસ્ટર માઈન્ડ હતો કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, સ્થાનિક પોલીસ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેને પકડવામાં નિષ્ફળ રહી હતી. ફરહાન છેલ્લા ત્રણ વર્ષથી ડ્રગ્સનો ધંધો બેરોકટોક ચલાવી રહ્યો છે. ફરહાનની ધરપકડ બાદ ડ્રગ્સના મોટા માથાની સંડોવણી ખૂલે તેવી શક્યતા છે ત્યારે ચોંકાવનારી વાત એ છે કે, અમદાવાદની એજન્સીઓના હાથમાં ફરહાન કેમ ના આવી શક્યો ?