આયુર્વેદમાં સરગવો અમૃત સમાન: 300થી વધુ રોગો સામે આપે છે રક્ષણ
પ્રાકૃતિક ખેતીમાં ઝડપથી વિકસતું વૃક્ષ એટલે સરગવો –સરગવાનું વૃક્ષ જમીન શુદ્ધિકરણ અને કૃમિનાશક માટે ઉપયોગી
પોષક તત્વોનો સમૃદ્ધ ખજાનો એટલે સરગવો
ગામડાના લોકો પાણીને શુદ્ધ કરવા માટે સરગવાના પાવડર ઉપયોગ કરે છે
ગુજરાત રાજ્ય સરકારના સફળ નેતૃત્વ હેઠળ ઘણા યુવાન ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રાકૃતિક ખેતી થકી શાકભાજી, ધાન્ય અને ફળફળાદી જેવા વિવિધ પાકોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. એવામાં એક પાક એવો છે, જેનું જમીનમાં વાવેતર કર્યા બાદ તે જમીનને શુદ્ધ રાખવાનું કાર્ય કરે છે, એવો પાક એટલે સરગવો. Saragva (DrumStick) in Ayurveda: Provides protection against over 300 diseases
પ્રાકૃતિક ખેતીમાં સરગવો એ ઝડપથી વિકસતું વૃક્ષ છે, તેના મૂળ મારફતે પર્યાપ્ત માત્રામાં નાઇટ્રોજન પાડોશી ફળદાયી વૃક્ષને મળે છે, સરગવો મુખ્યત્વે લગાવેલા ફળવાળા ઝાડને જરૂરી છાયા પ્રદાન કરે છે અને પવનને પણ રોકે છે. સરગવાના કોમળ લીલા તેમજ સફેદ ફૂલોનું શાક બને છે, જે ખૂબ જ પૌષ્ટિક હોય છે. સરગવાના વૃક્ષના પાન પાલતુ પશુઓને ખવડાવવામાં આવે તો દુધાળા પ્રાણીઓ દૂધ વધારે આપે છે.
દર વર્ષે ફેબ્રુઆરી – માર્ચ મહિનામાં સરગવાના વૃક્ષ પર ફુલ આવે છે અને એપ્રિલ – મે મહિનામાં તેના પર શીંગ આવે છે. સરગવાની શીંગમાં વિટામીનનો ભંડાર હોય છે. વર્ષમાં બે વાર સરગવાનું ઉત્પાદન મળે છે, જેમાં શરૂઆતથી જ ખેડૂતોને પ્રતિ એકર રૂપિયા 10,000થી 50,000 સુધીનું ઉત્પાદન મૂલ્ય મળે છે. સરગવાનું વૃક્ષ એક વાર લગાવવાથી ત્રણથી- ચાર વર્ષ સુધી ઉત્પાદન મળતું રહે છે.
સરગવાના વૃક્ષના મૂળમાંથી જે દ્રવ્ય પદાર્થનો સ્ત્રાવ થાય છે તેમાં કૃમિનાશકનો ગુણ હોય છે. સરગવાના પાંદડા, ડાળીઓ, છાલ અને બીજમાં પણ કૃમિનાશકનો ગુણ રહેલો છે. તેના પાંદડાના રસમાં સૂક્ષ્મ જંતુનાશક તેમજ ફૂગનાશકનો ગુણ હોય છે. જેથી ખેડૂતોને વાવેતર કે અન્ય કોઈ રીતે પાક બગડવાનો ભય હોતો નથી.
પાણીને શુદ્ધ કરવા સરગવાના બીજનો પાવડર અત્યંત ઉપયોગી સાબિત થાય છે. જેથી ગામડાના લોકો પાણીને શુદ્ધ કરવા માટે તેનો વધુ ઉપયોગ કરતા હોય છે. આમ તો, આયુર્વેદમાં સરગવાને અમૃત સમાન માનવામાં આવે છે. કારણ કે તે 300થી વધુ રોગો સામે રક્ષણ કરવામાં સહાયરૂપ નિવડે છે. તેનાં પાંદડાં અને ફળમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ,
આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પ્લેક્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સરગવાનાં પાંદડાંમાં વિટામિન-સી હોય છે, જે બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. એ વજન ઘટાડવામાં પણ મદદરૂપ નિવડે છે. દક્ષિણ ભારતમાં સરગવાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. પોષકતત્વોનો ખજાનો એટલે સરગવો એ અનેક રોગો સામે રક્ષણ આપવા માટેનું શ્રેષ્ઠ વૃક્ષ છે.
સરગવો ખાવાના ફાયદાની વાત કરીએ તો
– રોગપ્રતિકારક શક્તિ વધે છે
– પથરીને બહાર કાઢે છે
– કોલેસ્ટેરોલ ઓછું કરે છે
– બ્લડપ્રેશર સામાન્ય રાખે છે
– પાચન સુધારે છે
– દાંતને પોલાણથી બચાવે છે
– પેટના કીડાઓથી છુટકારો મળે છે
– સાયટિકા, આર્થરાઇટિસમાં ફાયદાકારક
– પેટની સમસ્યામાં રાહત મળે છે
– લિવરને સ્વસ્થ રાખવામાં અસરકારક
-સરગવો આંખો માટે પણ અસરકારક છે, આંખનું તેજ પણ વધારે છે.
મિતેષ સોલંકી, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ