દારૂના નશામાં ચૂર ટીવી સિરિયલના ડિરેક્ટરે ભીડ પર ચલાવી કાર

કોલકાતા, પ.બંગાળની રાજધાની કોલકાતાના સૌથી વ્યસ્ત બજારમાંથી એક ઠાકુરપુર બજારમાં રવિવારે સવારે એક કાર ભીડ પર ફરી વળી.
આ દુર્ઘટનામાં એક વ્યક્તિ મૃત્યુ પામી જ્યારે અન્ય ઘણાં ઈજાગ્રસ્ત થયા. પોલીસે આ મામલે જ્યારે તપાસ કરી તો જાણ થઇ કે કારચાલક એક જાણીતા ટીવી સિરિયલનો ડિરેક્ટર હતો. તેની સાથે કારમાં એક પ્રસિદ્ધ બંગાળી એન્ટરટેઈનમેન્ટ ચેનલના કાર્યકારી નિર્માતા સવાર હતો.
ઘટના બાદ સ્થાનિકોએ બંનેને પકડી પાડ્યા હતા અને ગુસ્સામાં ભીડે જોરદાર મેથીપાક ચખાડી બંનેને પોલીસના હવાલે કરી દીધા હતા. ત્યારબાદ પોલીસે સિદ્ધાંત દાસ ઉર્ફે વિકટોની ધરપકડ કરી હતી. વિકટો બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતો એક ડિરેક્ટર છે. તે ઘટના સમયે કાર હંકારી રહ્યો હતો. કારમાં એક બંગાળી એન્ટરટેઇનમેન્ટ ચેનલની એક્ઝિક્યૂટિવ પ્રોડ્યુસર શ્રેયા બસુ નામની મહિલા યાત્રી હતી.
સૂત્રોનો દાવો છે કે ડેલી સિરિયલની સફળતા બાદ બંને ઉજવણી કરવા માટે શનિવારે રાતે કોલકાતાના સાઉથ સિટી મોલમાં અડધી રાતે પાર્ટી કરવા પહોંચ્યા હતા. મોટાભાગના લોકો દારૂના નશામાં ચૂર થઇને રાતે બે વાગ્યે નીકળ્યા હતા. જોકે સિદ્ધાંત દાસ અને શ્રેયા બસુ કાર લઇને નશામાં જ નીકળી પડ્યા હતા.
સૂત્રોએ કહ્યું કે તેઓ ઘરે ન પહોંચ્યા અને કારણ વિના નશામાં કાર લઈને ફરતા રહ્યા. રવિવારે સવારે અચાનક તેમની કાર ઠાકુરપુર બજારમાં ઘૂસી ગઈ અને એક પછી એક અનેક લોકોને ફંગોળી નાખ્યા. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે તેમની કાર વિષ્ણુપુર તરફથી આવતી હતી. પોલીસના જણાવ્યાનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ ૬ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી છે.SS1MS