દૂધ સંજીવની યોજના હેઠળ છેલ્લા 10 વર્ષોમાં ₹12 હજાર કરોડથી વધુના ખર્ચે 87 લાખ લાભાર્થીઓને દૂધનો લાભ
વર્ષ 2023-24માં પોષણ સુધા યોજના હેઠળ 90,249 સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ ભોજનનો લાભ આપવામાં આવ્યો
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન આદિજાતિ સમુદાયના આરોગ્ય અને પોષણના સ્તરમાં સુધાર લાવવા માટે સતત પ્રયાસો કર્યા હતા. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના તેમના નેતૃત્વ હેઠળ આદિજાતિ વિસ્તારોની મહિલા અને બાળકોમાં પોષણની સ્થિતિ સુધારવા માટે દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી હતી.
આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ લાખો આદિજાતિ મહિલાઓ અને બાળકો દૂધ સંજીવની યોજનાનો લાભ મેળવી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં એટલે કે વર્ષ 2014-15થી 2023-24 સુધીમાં દૂધ સંજીવની યોજના હેઠળ કુલ 87 લાખ 89 હજારથી વધારે લાભાર્થીઓને ફ્લેવર્ડ દૂધનો લાભ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પાયલટ પ્રોજેક્ટ તરીકે રાજ્યના 5 જિલ્લાઓના માત્ર 10 આદિજાતિ ઘટકોમાં શરૂ કરવામાં આવેલી પોષણ સુધા યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો, અને આજે રાજ્યના તમામ 14 આદિજાતિ જિલ્લાઓના 106 ઘટકોમાં પોષણ સુધા યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. વર્ષ 2023-24માં આદિજાતિ વિસ્તારોના 90,249 લાભાર્થીઓને પોષણ સુધા યોજના હેઠળ પોષણક્ષમ આહારનો લાભ આપવામાં આવ્યો છે.
આદિવાસી બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે સંજીવની સમી ‘દૂધ સંજીવની યોજના’
‘સ્વસ્થ મન માટે સ્વસ્થ શરીર જરૂરી છે’ આ મંત્રને સાકાર કરવાના ઉમદા હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 ડિસેમ્બર 2009ના રોજ ‘દૂધ સંજીવની યોજના’ શરૂ કરી હતી, જેનો હેતુ આદિજાતિ બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ (6 માસ સુધીના બાળકોની માતાઓ) ના પોષણ સ્તરમાં સુધારો કરવાનો છે. આ યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રના 6 માસથી 6 વર્ષના બાળકોને અઠવાડિયામાં 5 દિવસ 100 મિલી અને સગર્ભા, ધાત્રી માતાઓને અઠવાડિયામાં 2 દિવસ 200 મિલી ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે.
આ યોજના હેઠળ છેલ્લા 10 વર્ષોમાં કુલ ₹12,021 કરોડના ખર્ચે 87,89,105 જેટલા લાભાર્થીઓને ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ દૂધનો લાભ આપવામાં આવ્યો છે. હાલ સમગ્ર રાજ્યમાં 10 લાખથી વધુ લાભાર્થીઓ આ યોજના અંતર્ગત લાભ મેળવી રહ્યા છે. આદિજાતિ વિસ્તારોમાં દૂધ સંજીવની યોજનાના પરિણામે ભૂલકાંઓ, સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણની સ્થિતિમાં સુધાર જોવા મળ્યો છે.
માતા અને નવજાત માટે વરદાન બની ‘પોષણ સુધા યોજના’
સ્ત્રીના જીવનમાં સગર્ભા અને ધાત્રી અવસ્થા ખુબ જ મહત્વપૂર્ણ છે. માતાના ગર્ભમાં રહેલ શિશુ માટે તેમજ જન્મ બાદ તેને સ્તનપાન કરાવવા માટે માતાને વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે.
આ જરૂરિયાતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે 18 જૂન 2022ના રોજ પોષણ સુધા યોજના એટલે કે સ્પોટ ફીડિંગ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ યોજનાનો ઉદ્દેશ રાજ્યના તમામ આદિજાતી જિલ્લાઓના તમામ આદિજાતી તાલુકાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણની સ્થિતિ સુધારવાનો, પાંડુરોગવાળા તેમજ જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોનાં દરમાં ઘટાડો કરવાનો અને પ્રસૂતિના પરિણામોમાં સુધારો લાવવાનો છે.
90,249 સગર્ભા અને ધાત્રી માતાઓને મળ્યો પોષણક્ષમ ભોજનનો લાભ
પોષણ સુધા યોજના અંતર્ગત આંગણવાડી ઉપર નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ પોષણક્ષમ ભોજન આપવામાં આવે છે. આ સાથે આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ તેમજ આરોગ્ય અને પોષણ અંગે શિક્ષણ આપવામાં આવે છે. યોજનાના મોનિટરિંગ અને રિવ્યુ માટે વિશેષ મોબાઇલ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે.
વર્ષ 2023-24માં 90,249 સગર્ભા અને ધાત્રી માતાઓને આ યોજના હેઠળ પોષણક્ષમ ભોજનનો લાભ આપવામાં આવ્યો છે. આ યોજનાના અપેક્ષિત પરિણામો છે કે, આદિજાતિ વિસ્તારોમાં માતા મૃત્યુ અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો થશે તેમજ માતા અને નવજાતના પોષણસ્તરમાં સુધારો થશે. સાથે જ, ઓછા વજન સાથે જન્મ લેનાર શિશુઓના દરમાં પણ ઘટાડો જોવા મળશે.