શેરબજારમાં દેવું થતાં સોફ્ટવેર એન્જીનીયરે કરી આંગડીયા પેઢીમાં લૂંટ
નડિયાદની આંગડિયા પેઢીમાં લૂંટમાં મહેમદાવાદનો સોફ્ટવેર એન્જિનિયર પકડાયો -શેર બજારમાં દેવામાં ખુપી જતાં આરોપીએ લૂંટનું કાવતરું ઘડ્યું
(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદમાં બે દિવસ અગાઉ આંગડિયા પેઢીમાં થયેલી ચકચારી લૂંટ પ્રકરણમાં પોલીસે લૂંટ આચરનાર આરોપીને મહુધા ટી પોઈન્ટ ખાતેથી એક્ટીવા સાથે ઝડપી લીધો છે. પોલીસને રોકડ રૂપિયા ૧૨.૨૪ લાખ રીકવર કરવામાં સફળતા મળી છે.
મહેમદાવાદના સોફ્ટવેર એન્જિનિયરે નડિયાદની આંગડિયા પેઢીમાં ઘૂસી લૂંટ ચલાવી હતી. યુવાન શેર બજારમાં દેવામાં ખુપી જતાં આરોપીએ લૂંટનું કાવતરું ઘડ્યું હોવાનું પોલીસના ઈન્ટ્રોગેશન દરમિયાન બહાર આવ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી રીમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ નડિયાદમાં ભાવસારવાડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરની સામે વિજયકુમાર વિક્રમભાઈ નામની આંગડિયા પેઢીમાં ગત ૧૫મી મે સોમવારના બપોરના સુમારે લૂંટનો બનાવ બન્યો હતો. આ પેઢી પર પેઢીના ભાગીદાર ઉપેન્દ્રભાઈ બાબુભાઈ પટેલ હાજર હતા.
જ્યારે પેઢીનો કર્મચારી ગીરીશભાઈ મંગળભાઈ રાણા ઘરે જમવા ગયા હતા. આ સમયે લૂટારુએ લૂંટને અંજામ આપ્યો હતો. એકટીવા પર આવેલા એક લૂંટારુએ ઉપેન્દ્રભાઈના માથામાં હથોડી મારી ઇજા કરી રૂપિયા ૧૩ લાખની સનસનાટી ભરી લૂંટ ચલાવી ભાગી ગયો હતો.
લૂંટ ચલાવનાર વ્યક્તિએ ગત ૧૩મી મે ના રોજ રેકી કરી હતી. મુંબઈ મલાડથી રૂપિયા ૨૦ લાખ આવવાના છે તેવી પુછપરછ કરી નીકળી ગયો આ બાદ સોમવારે ૧૫મી મે ના રોજ લૂંટને અંજામ આપ્યો હતો. ચપ્પાની અણીએ ઉપેન્દ્રભાઈને ધમકાવી માથામાં હથોડો મારી રૂપિયા ૧૩ લાખ રોકડ તેમજ બે મોબાઇલ ફોન અને સીસીટીવીના ડીવીઆરની લૂંટ ચલાવી હતી.
પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ આ વ્યક્તિ એક્ટીવા લઈને આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જે આધારે પોલીસે વિવિધ ૭ જેટલી ટીમો બનાવી જિલ્લામા જુદા જુદા વિસ્તારોમાં દોડાવી હતી.બીજી બાજુ ખેડા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મહુધા ટી. પોઇન્ટ પાસે વાહન ચેકિંગ આદરી હતી ખાસ કરીને એકટીવા લઈને આવતા લોકોની પૂછપરછ આ ધરી હતી
આ દરમિયાન એકટીવા લઈને અલીણાથી મહુધા તરફ આવનાર એક શંકાસ્પદ શખ્સ અટકાવીને તેની પૂછપરછ કરતા એકટીવા ચાલાકે સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસને શંકા વધુ તેજ બની હતી પોલીસે આ એકટીવા ચાલકની તલાસી લેતા તેની પાસેથી રૂપિયા ૧૨.૨૪ લાખ રોકડ મળી આવ્યા હતા.
જેથી પોલીસે લાલ આંખ કરી હતી જેમાં એકટીવા ચાલકે નડિયાદની લૂંટ પોતે કરી હોવાની કબુલાત કરી લીધી હતી પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ મોહંમદકેફ ફઝલમોહંમદ સીંન્ધી (રહે. મહેમદાવાદ, જીનતપાર્ક સોસાયટી) હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની પાસેની એક બેગમાંથી રૂપિયા ૧૨ લાખ ૨૪ હજાર કેસ એક ડી.વી.આર, મોબાઈલ ફોન તેમજ એક્ટીવા મળી કુલ રૂપિયા ૧૨ લાખ ૮૭ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ લૂંટારું પોતે સોફ્ટવેર એન્જિનિયર થયેલો છે. અને તેણે શેર બજારમાં દેવામાં ખૂપી જતા નાણાંની તાતી જરૂરિયાત સર્જાતા આ રીતે લૂંટને અંજામ આપવાનું મનોમન નક્કી કર્યું હતું. આ ઉપરાંત આરોપી મહેમદાવાદ અને અમદાવાદ ખાતે શેર બજારનો વ્યવસાય કરતો હતો જેવી હકીકત પોલીસના ઈન્ટ્રોગેશન દરમિયાન માલુમ પડી છે.
બીજા કોઈ સાગરીત ની સંડોવણી છે કે નથી તેની તપાસ કરાશે ઃ જિલ્લા પોલીસવડા
આ સંદર્ભે જિલ્લા પોલીસ વડા રાજેશ ગડિયાએ જણાવ્યું હતું કે, આરોપીએ મોટાભાગના પૈસા મિત્ર વર્તુળ તેમજ સગા સંબંધીઓ પાસેથી લીધેલા હતા સીસીટીવી ફૂટેજમાંથી બચવા માટે આરોપીએ સીસીટીવીનું DVR પણ પોતાની સાથે લઈ ગયેલ હતો.
તે પણ કબજે કરાયું છે અને પોતાના સ્વ બચાવ માટે તેણે આંગડિયા પેઢીના ભાગીદાર પાસેથી એક લખાણ અને એક વિડીયો પણ ઉતારેલો હતો. સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને આ ઘટનામાં તે એકલો છે કે અન્ય સાથીદાર છે. તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.