ઈલેકશનને કારણે કોર્પોરેશન દ્વારા ખાદ્યપદાર્થાેના નમૂના લેવાની કામગીરી ઠંડી પડી ગઈ
નવેમ્બર મહિનામાં છેલ્લા ૨૯ દિવસમાં રોજના સાત નમૂના પણ ન લેવાયા
અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત ગત તા.૩ નવેમ્બરે થઈ હતી. રાજ્યમાં બે તબક્કામાં મતદાન થનાર હોઈ આજના પહેલા તબક્કા હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠક માટે સવારથી મતદારો ઉત્સાહથી મતદાન કરવા આગળ આવી રહ્યા છે,
જ્યારે આપણા અમદાવાદની ૧૬ બેઠક માટે આગામી તા.૫ ડિસેમ્બરે મતદાન થશે, જાેકે શહેરમાં થનારી ચૂંટણીનો પડઘો પડતો હોય કે એમ પણ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા હાથ ધરાતી રોજબરોજની કામગીરીને જાણે-અજાણે ગંભીર અસર પડી છે.
કેટલીક કામગીરી બારે મહિના સતત કરવાની હોય છે તેમ છતાં ચૂંટણીની જાહેરાત બાદ તેવી કામગીરી સાવ કંગાળ રીતે અથવા તો ઠંડી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આમાં ઉદાહરણ તરીકે મ્યુનિ.તંત્રની વિવિધ ખાદ્યપદાર્થાેમાં થતી ભેળસેળને ચકાસવા માટે હાથ ધરાતી નમૂનાઓ લેવાની કામગીરીને લઈ શકાય. સત્તાધીશો દ્વારા કરાતી ખાદ્યપદાર્થાેના નમૂના લેવાની કામગીરી સુસ્ત પડી હોય તેવી વિગત જાણવા મળી છે.
અમદાવાદમાં ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જેમ જેમ વાતાવરણમાં રાજકીય ગરમાવો આવતો ગયો તેમ તેમ મ્યુનિ.સત્તાવાળાઓની એક અથવા બીજા તબક્કાની કામગીરીમાં બ્રેક લાગતી ગઈ છે.
શહેરીજનોને ચૂંટણીના આ સમયગાળામાં કોઈપણ રીતે નારાજ નથી કરવા એવું માનીને ચાલનારા મ્યુનિ.સત્તાવાળાઓએ બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાતની ઝુંબેશમાં મોટી બ્રેક મારી દીધી છે. ટેક્સ ડિફોલ્ટર્સની દુકાન કે ઓફિસને તાળાં મારીને કરાતી ટેક્સ વસૂલાતમાં ચૂંટણીના પગલે ધીમી ગતિથી કામ ચાલી રહ્યું છે. અગાઉના ઓક્ટોબર મહિનામાં જે રીતે ટેક્સ ડિફોલ્ટર્સની કોમર્શિયલ મિલકતોને તંત્ર દ્વારા સીલ કરાતી હતી તેમાં ગત નવેમ્બર મહિનામાં ભારે ઘટાડો જાેવા મળ્યો છે.
બાકી ટેક્સ વસૂલાત ઝુંબેશ ઉપરાંત તંત્રે દબાણ હટાવવાની કામગીરી પણ બંધ કરી દીધી છે. ટીપી રોડ પરનાં દબાણ ટ્રાફિકને નડતરરૂપ થતાં હોય છે. આવાં દબાણોથી છાશવારે અકસ્માતો સર્જાય છે તેમ છતાં રોડ પરનાં લારી-ગલ્લા, શેડ, આટેલા તેમજ અન્ય પ્રકારનાં રહેણાંક-બિનરહેણાંક બાંધકામ જેવાં દબાણ હવે તંત્ર દ્વારા હટાવાતાં નથી.
શહેરમાં યોજાનારી ચૂંટણીની અસર આ કામગીરી પર વર્તાઈ રહી છે. હજુ ૧૫ નવેમ્બર સુધી પૂર્વ ઝોન જેવા ઝોનમાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલતી હતી. ફૂટપાથ પરના ઓટલા, ક્રોસવોલ, શેડ વગેરે પર એસ્ટેટ વિભાગના હથોડા ઝીંકાતા હતા, પરંતુ હવે આ ઝુંબેશ સદંતર ઠપ થઇ ગઈ છે.
આમ તો પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં તંત્રને ચૂંટણી અગાઉ પણ ક્યારેય દબાણો દેખાતાં નહોતાં તેવા ગંભીર આક્ષેપ ઊઠતા રહ્યા છે. આ ત્રણેય ઝોનના એસ્ટેટ વિભાગના છૂપા આશીર્વાદ કહો કે તડી હપ્તાબાજી ગણો પણ તંત્રે ગંભીરતાથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી નથી તેમ લોકમુખે ચર્ચાતું રહ્યું છે.
જાેકે હવે ચૂંટણીની અસરથી તંત્ર દ્વારા ખાદ્યપદાર્થાેની ભેળસેળ ચકાસવા માટે લેવાતા નમૂનાની કામગીરી પ્રભાવિત થઇ હોય તેવી ચર્ચા ઉઠી છે. ચૂંટણીના માહોલમાં દુકાનદારોના ત્યાં દરોડા પાડીને ખાદ્યપદાર્થાેના નમૂના લેવાનું ટાળવાનું જાણે કે તંત્રે અગમ્ય કારણસર નક્કી કર્યું હોય તેમ ગત નવેમ્બર મહિનાના છેલ્લા ૨૯ દિવસની કામગીરીનો રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવી રહ્યો છે.
ખાદ્યપદાર્થાેના નમૂના લેવાનો ગત તા.૧થી ૨૯ નવેમ્બર સુધીનો રિપોર્ટ તપાસતાં તંત્રે ફક્ત અને ફક્ત ૧૮૭ નમૂના લીધા છે. બીજા અર્થમાં તંત્ર દ્વારા રોજના સાત નમૂના પણ લેવાયા નથી. ભેળસેળ ચકાસવા માટેની તંત્રની આ પ્રકારની કંગાળ કામગીરી ચૂંટણીના દિવસો હોઈ શિથિલ પડી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે એટલે બીજા અર્થમાં આ ડિસેમ્બરના આગામી દસ દિવસમાં જ્યાં સુધી મતદાનના પરિણામ ન આવે ત્યાં સુધી આ કામગીરી સુસ્ત જ રહેશે તેવું લાગી રહ્યું છે.