વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે 53 રસ્તાઓ સલામતી માટે બંધ કરાયા
(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ જિલ્લામાં પાંચ દિવસથી પડી રહેલા લગાતાર વરસાદને લઈને જિલ્લાની તમામ નદીઓના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. વલસાડ જિલ્લાના લો લેવલ કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેને લઈને વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતા વલસાડ જિલ્લાના ૫૩ જેટલા રસ્તાઓ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં ગત રોજ થી જ ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે.
વલસાડ જિલ્લાની નદીઓ પૈકી ઔરંગા, કોલક, પાર, દમણ ગંગા, વણઝાર નદી સહિત જિલ્લાની તમામ નાની મોટી નદીઓમાં જળ સ્તર વધતા બધી જ નદીઓ બે કાંઠે વહી છે. જિલ્લાની નદીઓમાં વધતી જતી જળ સપાટી ઉપર વહીવટી તંત્ર બાજ નજર રાખી રહ્યું છે.
વલસાડ જિલ્લામાં લો લેવલના પુલ અને રસ્તાઓ ઉપર વરસાદી પાણી તેમજ નદીઓના પાણી ફરી વળતા કુલ ૫૩ જેટલા રસ્તો ઓવર ટોપિંગને લીધે બંધ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા જીવના જાેખમે કોઈ રસ્તો ન ઓળંગે તે માટે પોલીસ બંદોબસ્ત મૂકી રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓના જળ સ્તરમાં વધારો થતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નદીઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે. વલસાડ જિલ્લાના ૩૭ જેટલા અધિકારીઓની ટીમ તૈનાત કરીને તમામ પરિસ્થિતિ ઉપર બાજ નજર રાખી રહ્યા છે.