Vadodara : વીજ કાપને લીધે MS યુનિવર્સિટીમાં છાત્રોએ અંધારામાં પરીક્ષા આપી
(એજન્સી)વડોદરા, એમ.એસ.યુનિવર્સિટીમાં ચાલી રહેલી સૌથી મોટી FY B.comની એન્ડ સેમેસ્ટર પરીક્ષામાં વીજ કાપના પગલે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને અંધારામાં પેપર લખવાનો વારો આવ્યો હતો. મળતી વિગતો પ્રમાણે FY B.comની પરીક્ષાનો આજે બીજાે દિવસ હતો.
પરીક્ષાનો સમય સવારે ૮ થી ૧૧નો હતો અને વીજ કંપનીએ સયાજીગંજ તેમજ આસપાસના વિસ્તારોમાં મેન્ટેનન્સ કરવાનુ હોવાથી સવારે સાડા સાત વાગ્યાથી વીજ પૂરવઠો બંધ કરી દીધો હતો.જેના કારણે મેઈન બિલ્ડિંગ પર પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ મુસીબતમાં મુકાયા હતા.
વિદ્યાર્થીઓએ આખુ પેપર અપૂરતા અજવાળામાં લખ્યુ હતુ. ઉપરાંત ગરમી અને બફારાના કારણે વધારાની હેરાનગતિ વેઠી હતી. કોમર્સ ફેકલ્ટીના સૂત્રોનુ કહેવુ હતુ કે, દરેક પરીક્ષા પહેલા વીજ કંપનીને પત્ર લખીને જાણકારી આપવામાં આવે છે. જેથી પરીક્ષા દરમિયાન વીજકાપ ના થાય.
આ વખતે પણ વીજ કંપનીને પરીક્ષાના શીડ્યુઅલની એડવાન્સમાં જાણકારી આપી દેવામાં આવી હતી. આમ છતા વીજ કંપનીએ આજે પુરવઠો બંધ કર્યો હતો. જાેકે આજની ઘટનાએ કોમર્સ ફેકલ્ટી સત્તાધીશોની તૈયારીઓ પર પણ સવાલો ઉઠાવ્યા છે. ફેકલ્ટી પાસે કરોડો રૂપિયાનુ ડેવલપમેન્ટ ફંડ પડી રહ્યુ છે ત્યારે ઈમરજન્સી સંજાેગોને ધ્યાનમાં રાખીને ફેકલ્ટી સત્તાધીશો જનરેટર કેમ નથી વસાવતા તેવો પ્રશ્ન વિદ્યાર્થીઓએ પરીક્ષા બાદ કર્યો હતો.