Western Times News

Gujarati News

વરસાદ કારણે વિઝિબિલિટી ઓછી થતાં ગાડી તળાવમાં ખાબકીઃ નરોડાના 4 યુવકોના મોત

રાજસ્થાન ફરવા ગયેલા યુવકો અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે વિઝીબીલીટી ઓછી થતાં ગાડી સાથે ગાંધીનગર નજીક તળાવમાં ડૂબ્યા

અમદાવાદ, ગાંધીનગરના દશેલા ગામ પાસે આવેલા ખાયણા તળાવમાં કાર ખાબકતાં કારમાં સવાર પાંચમાંથી ચાર લોકોનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિ લાપત્તા હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

રાત્રિના સમયે કાર તળાવમાં ખાબક્યા બાદ પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તપાસ હાથ ધરતાં કાર તળાવમાં ડૂબી હોવાનું સામે આવ્યું હતું. તળાવમાં શોધખોળ દરમિયાન ચાર યુવકના મૃતદેહ મળ્યા છે, જ્યારે એક યુવક હજી પણ લાપત્તા હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે.

અકસ્માત સર્જાયો ત્યારે કારમાં પાંચ મિત્ર સવાર હતા, જેમાંથી ચારના મૃતદેહ મળી આવ્યા છે, પરંતુ શૈલેષ રાઠોડ હજી લાપત્તા હોવાથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે. આ તમામ મિત્રો જે કારમાં સવાર હતા એની પણ હાલ શોધખોળ ચાલી રહી છે.

અમદાવાદના નરોડા અને દશેલામાં રહેતા પાંચ યુવક રાજસ્થાન ફરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ નરોડામાં રહેતા ચાર મિત્ર ગાંધીનગરના દશેલામાં રહેતા ગૌરાંગ ભટ્ટને તેના ઘરે ઉતારવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના સમયે ધોધમાર વરસાદ ચાલુ હોવાના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી.

જેથી અકસ્માતે કાર તળાવમાં ઊતરી ગઈ હતી. અકસ્માત સર્જાતાં ગૌરાંગે તેના પિતાને ફોન કરી પોતાની કાર તળાવમાં પડી હોવાની જાણ પણ કરી હતી. ત્યાર બાદ તેનો ફોન તરત કટ થઈ ગયો હતો.

રાત્રિના અંધકારમાં કાર જ્યારે તળાવમાં ખાબકી ત્યારે ગૌરાંગે તેના પિતાને ફોન કર્યો હતો, પરંતુ લોકેશન જણાવી શક્યો નહોતો, જેથી આ મામલે પોલીસને જાણ કરાતાં પોલીસે મોબાઈલ લોકેશનના આધારે ટ્રેસિંગ કર્યું હતું અને તળાવ સુધી પહોંચી હતી.

પરિવારજનો અને ગ્રામજનોએ ગત રાત્રિથી જ તળાવમાં શોધખોળ હાથ ધરી હતી. આજે ફાયરબ્રિગેડની ટીમને પણ બોલાવી લેવામાં આવી હતી, જેમાં શોધખોળ દરમિયાન વિનય, ભરત, ગૌરાંગ અને નિમેષના મૃતદેહ મળી આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.