મોલના કર્મચારીઓની સતર્કતાથી ચોરી કરીને ભાગતા તસ્કરોને રંગેહાથ ઝડપાયા
સેલ્સ મેનેજરે બૂમરાણ મચાવતા ગઠિયાઓ ટાંકી પર ચઢી ગયા
નેશનલ હેન્ડલૂમ કોર્પાેરેશન મોલના સેલ્સ મેનેજર માલુસિંહ રાજપૂતે બે આરોપીઓ પ્રતાપસિંહ રાજપૂત અને રાજસિંહ રાજપૂત વિરુદ્ધ ચોરીની ફરિયાદ કરી છે.
(એજન્સી)અમદાવાદ, શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલા નેશનલ હેન્ડલૂમ કોર્પાેરેશન મોલમાં ચોરી કરવા માટે આવેલા ગઠિયાઓનો પર્દાફાશ થયો છે. મોલના સેલ્સ મેનેજર વહેલી પરોઢે બાથરૂમ કરવા માટે ઉભા થયા ત્યારે બે ચોર સીડી ઉતરીને આવતા હતા, જેથી તેણે ચોર-ચોર કહીને બૂમો પાડતાં અન્ય કર્મચારીઓ પણ જાગી ગયા હતા.
મોલના કર્મચારીઓએ હિંમત દાખલી બંને ચોરનો પીછો કરી તેમને ઝડપી પાડ્યા છે. મોલનું શટર કોસથી તોડીને તેઓ મોલમાં ઘૂસ્યા હતા. ત્યાર બાદ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. મોલમાં સાતથી વધુ કર્મચારીઆએ સૂઈ ગયા હતા ત્યારે બ ચોર કેશ કાઉન્ટર તોડીને તેમાંથી ચોરી કરી હતી. ત્યાર બાદ ઈમિટેશન જ્વેલરી, બેલ્ટ, બદામ સહિતની ચીજવસ્તુઓની ચોરી કરી હતી.
નવા વાડજ વિસ્તારમાં આવેલા નેશનલ હેન્ડલૂમ કોર્પાેરેશન મોલના સેલ્સ મેનેજર માલુસિંહ રાજપૂતે બે આરોપીઓ પ્રતાપસિંહ રાજપૂત અને રાજસિંહ રાજપૂત વિરુદ્ધ ચોરીની ફરિયાદ કરી છે. માલુસિંહ રાજપૂત અને તેમના સિવાય બીજા છ કર્મચારીઓ નેશનલ હેન્ડલૂમ કોર્પાેરેશનના મોલમાં રહે છે. રવિવારની રાતે મોલ બંધ થઈ ગયા પછી માલુસિંહ, ધીરજસિંહ, વિક્રમસિંહ, રતનસિંહ, નરસારામ, રાણારામ, પેપસિંગ અને પૂરણસિંગ જમીને મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર સૂઈ ગયા હતા.
વહેલી પરોઢએ માલુસિંહ બાથરૂમ કરવા માટે ઉભા થયા ત્યારે પહેલાં માળની સીડીમાંથી બે શખ્સોને નીચે ઉતરતા જોઈ ગયા હતા. માલુસિંહે કોણ છે? ની બૂમ પાડી તો બંને શખ્સોએ ભાગવાની કોશિશ કરી હતી. બંને જણાએ મોલનું શટર ખોલવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ તે ખૂલ્યું નહીં. માલુસિંહે તરત જ ચોર-ચોરની બૂમો પાડી હતી, જેથી સ્ટાફના બીજા માણસો જાગી ગયા હતા. મોલના તમામ કર્મચારીઓ બંને ચોરને પકડવા માટે દોડ્યા હતા.
બંને ચોર પણ બચવા માટે મોલના ધાબા પર પહોંચી ગયા હતા. મોલના ધાબા પર બનાવેલી ટાંકી પર બંને ચોર ચઢી ગયા હતા, જેથી કર્મચારીઓએ તેમને ઝડપી લીધા હતા.
બંને ચોર પાસે રહેલી બેગ કર્મચારીઓએ લઈ લીધી ત્યારે તેમાંથી રોકડ રકમ મળી આવી હતી. મોલના કેશ કાઉન્ટર તોડી તેમાંથી ૫૭ હજારની રોકડ તેમજ દસ હજાર રૂપિયાની ઈમિટેશન જ્વેલરી, ૧૪૦૦ રૂપિયાની કાની બુટ્ટી, ૧૪૦૦ રૂપિયાનું દાઢી કરવાનું મશીન, બદામ, તેમજ કોલેજ બેગની ચોરી કરી હતી. બંને ચોરની પૂછપરછ કરતાં તેમનાં નામ પ્રતિપસિંહ રાજપૂત અને રાજસિંહ રાજપૂત હોવાનું સામે આવ્યું હતું.
કર્મચારીઓએ તરત જ પોલીસને જાણ કરીને બોલાવી દીધી હતી અને બે ચોરની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવી હતી. પોલીસે – માલુસિંહની ફરિયાદના આધારે બે ચોર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે મોડી રાતે મોલનું શટર ઉંચું કરીને બંને ગઠિયાઓ ચોરી કરવા માટે અંદર ઘૂસ્યા હતા.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર બંને ચોરે એકદમ ચપળતાપૂર્વક કેશ કાઉન્ટર તોડયા હતા અને તેમાં રહેલી રોકડ રકમની ચોરી કરી હતી. ઝડપાયેલા બંને ચોર બીજા કોઈ ચોરીના ગુનામાં પણ સંડોવાયેલા હોય તેવી શક્યતાઓ છે.