કાશ્મીરમાં થયેલી હિમવર્ષાથી અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડીનો પારો નીચે ગગડશે
આગામી ચાર-પાંચ દિવસમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી અનુભવાય તેવી શક્યતા
અમદાવાદ, શહેરમાં શિયાળાની ફૂલગુલાબી ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જાેકે રાજાકારણના ગરમાવાના કારણે કહો કે પછી અન્ય કારણથી હજુ અમદાવાદમાં ઠંડી ટોક ઓફ ધ ટાઉન બની નથી. સામાન્ય રીતે ડિસેમ્બરમાં હાડ થિજાવડી ઠંડી પડે છે, પરંતુ આ મહિનાના છેલ્લા નવ દિવસમાં શહેરીજનોએ ઠંડીના તીવ્ર મોજાને અનુભવ્યું નથી, જાેકે કાશ્મીરમાં શુક્રવારે થયેલી હિમવર્ષાનાં પગલે આગામી ચાર-પાંચ દિવસમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી અનુભવાય તેવી શક્યતા છે. અત્યારે સમગ્ર કાશ્મીરમાં ઠંડીનો પારો શૂન્યથી નીચે ઊતરી ગયો હોઈ તેની અસર ગુજરાતના હવામાનમાં પણ થશે.
કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં શુક્રવારે ઠંડીનું પ્રમાણ માઈનસ એક ડિગ્રી હતું. ગુલમર્ગમાં રાતનું તાપમાન માઈનસ ત્રણ ડિગ્રી જેટલું નીચે ઊતરી ગયું હતું. કાશ્મીરના ગુલમર્ગ, સોનમર્ગ સહિતનાં સ્થળોએ હિમવર્ષા થતાં કેટલાંક સ્થળોએ વરસાદ પણ પડી શકે છે. અમદાવાદ સહિત ગુજરાતમાં પણ કાશ્મીરની હિમવર્ષાના પગલે ઠંડીનો પારો નીચે ગગડી શકે છે, જાેકે શહેરનું લઘુત્તમ તાપમાન ૧૪.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન કરતાં વધારે હતું. શુક્રવારમાં અમદાવાદમાં ૧૪ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી, તેની સામે આજે ઠંડીની તીવ્રતામાં અમુક અંશે રાહત જાેવા મળી છે.
થોડા સમય પહેલાં અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જાેર ઘટી ગયું હતું. જાેકે હવે ફરી તાપમાનનો પારો નીચે ગગડી રહ્યો હોઈ ઠંડીનંુ જાેર વધી રહ્યું છે, પરંતુ સ્થાનિક હવામાન વિભાગની ક્ચેરી દ્વારા આગામી તા.૧૬ ડિસેમ્બર સુધી ૧૭થી ૧૮ ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાય તેવી આગાહી કરાઈ છે. આમ, હવામાન વિભાગ દ્વારા હાડ થિજાવતી ઠંડી શહેરમાં પડશે તેવી આગાહી કરાઈ નથી, પરંતુ કાશ્મીરમાં હિમવર્ષા થવાથી અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડીનો પારો નીચે ગગડશે.
દરમિયાન રાજ્યમાં પણ નલિયામાં ૯.૦ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાતા તે સૌથી ઠંડુગાર શહેર બન્યું હતું. નલિયામાં શુક્રવારે ૮.૮ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી એટલે નલિયાવાસીઓ માટે કાતિલ ઠંડીની અસર આજે પણ જળવાઈ રહેતાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું, જ્યારે રાજ્યનાં અન્ય પ્રમુખ શહેરોની ઠંડી તપાસતાં વડોદરામાં ૧૩, સુરતમાં ૧૮.૨, રાજકોટમાં ૧૪ અને ભૂજમાં ૧૪ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
જ્યારે ડીસામાં ૧૨.૫, અમરેલીમાં ૧૪.૪, ભાવનગરમાં ૧૪.૮, દાદરા- નગર હવેલીમાં ૧૮.૨, દમણમાં ૧૪.૪, દીવમાં ૧૬.૪, દ્વારકામાં ૧૮.૨, જૂનાગઢમાં ૧૪.૪, કંડલામાં ૧૫.૮, ઓખામાં ૨૨, પાટણમાં ૧૨.૫, પોરબંદરમાં ૧૪, સાસણ ગીરમાં ૧૮.૨, સિલ્વાસામાં ૧૮.૨ અને વેરાવળમાં ૧૮.૨ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં શુક્રવારે ઠંડીનો પારો નીચે ગગડીને ૧૦.૩ ડિગ્રીએ જઈને અટક્યો હતો તેની સામે શનિવારે ૧૧.૨ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.