યુક્રેનના ઝેલેન્સ્કીના આ નિર્ણયને કારણે યુરોપના ૪૦ દેશો શિયાળામાં ઠૂંઠવાશે
યુક્રેને તેની ભૂમિમાં થઈને યુરોપમાં પાઈપલાઈનથી મોકલાતા રશિયન ગેસનો સપ્લાય બંધ કર્યાે-રશિયાની સરકારી કંપની ગેઝપ્રોમ અને યુક્રેન વચ્ચે પાઈપલાઈન દ્વારા યુરોપિયન દેશોમાં ગેસ મોકલવાનો કરાર હવે તૂટી ગયો છે
મોસ્કો, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોડીમિર ઝેલેન્સકીએ જણાવ્યું છે કે, યુક્રેનના માર્ગે યુરોપિયન દેશોમાં મોકલવામાં આવતા રશિયન ગેસનો પુરવઠો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. યુક્રેનના આ નિર્ણયને કારણે યુરોપના ૪૦ દેશોને શિયાળામાં ઠૂંઠાવાઈ જવાનો વારો આવશે. યુરોપના ૪૦ દેશો રશિયા પાસેથી ગેસ ખરીદે છે અને તેમાંથી રશિયા દર વર્ષે લગભગ ૫.૨ બિલિયન ડોલરની કમાણી કરે છે.
રશિયાની સરકારી કંપની ગેઝપ્રોમ અને યુક્રેન વચ્ચે પાઈપલાઈન દ્વારા યુરોપિયન દેશોમાં ગેસ મોકલવાનો કરાર હવે તૂટી ગયો છે. આ સાથે રશિયા અને યુક્રેન વચ્ચેનો છેલ્લો વેપાર અને રાજકીય કરારનો હવે અંત આવ્યો છે. વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું હતું કે અમે રશિયાને અમારા લોહી વહાવીને ડોલર કમાવા નહીં દઈએ. યુક્રેનના આ નિર્ણયથી યુરોપિયન દેશોમાં ખળભળાટ મચી ગયો છે.
બીજી તરફ, સ્લોવાકિયા અને પોલેન્ડે યુક્રેનને વીજ પુરવઠો બંધ કરવાની ધમકી આપી છે.યુક્રેનના આ નિર્ણયથી રશિયાને બહુ ફરક પડવાની શક્યતા ઓછી છે. કારણ કે રશિયા હજુ પણ કાળાસાગરની પેલે પાર તુર્કસ્ટ્રીમ પાઇપલાઇન દ્વારા હંગેરી, તુર્કી અને સર્બિયાને ગેસ મોકલી શકે છે.કરાર તૂટવાને કારણે હવે યુરોપના ઘણા દેશોમાં રશિયન કુદરતી ગેસની નિકાસ બંધ થઈ ગઈ છે.
રશિયન કંપની ગેઝપ્રોમ ટ્રાન્ઝિટ એગ્રીમેન્ટ હેઠળ યુદ્ધ દરમિયાન પણ સ્લોવાકિયા, મોલ્ડોવા અને હંગેરી સહિત ઘણા દેશોમાં કુદરતી ગેસ મોકલતી હતી. યુક્રેનના ઊર્જામંત્રી જર્મન ગાલુશેન્કોએ એક નિવેદનમાં કહ્યું છે કે અમે રશિયન ગેસના પરિવહનને રોકી દીધું છે. આ એક ઐતિહાસિક ઘટના છે. રશિયા તેના બજારો ગુમાવી રહ્યું છે, તેને નાણાકીય નુકસાન પહોંચશે.
ઉલ્લેખનીય છે કે સ્લોવાકિયાના પીએમ રોબર્ટ ફિકો અને હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બન છેલ્લા કેટલાક અઠવાડિયાથી યુક્રેનને ટ્રાન્ઝિટ એગ્રીમેન્ટ રદ ન કરવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તેમના પ્રયત્નો અપૂરતા સાબિત થયા છે. આ બંને યુરોપિયન નેતાઓ પુતિનના સમર્થક ગણાય છે.