ડમી ઉમેદવાર કાંડનો મામલોઃ યુવરાજ સિંહે દહેગામમાં પ્લોટ ખરીદ્યો હોવાની કરી કબૂલાત
રાજકોટ, આમ આદમી પાર્ટીના યુથ વિંગના નેતા યુવરાજ સિંહ જાડેજા વિરુદ્ધ એક કરોડ રુપિયાની ખંડણી મામલે તપાસમાં મોટો ખુલાસો થયો છે. યુવરાજ સિંહે પોલીસ તપાસમાં ખુલાસો કર્યો છે કે, તેણે આ પૈસાથી ગાંધીનગર જિલ્લાના દહેગામ નજીક એક પ્લોટ ખરીદ્યો હતો. તપાસકર્તાઓની ટીમના સૂત્રોએ જણાવ્યું કે, આ ઘટસ્ફોટને ચકાસવા અને સરકારી રેકોર્ડ તપાસવા માટે તપાસકર્તાઓની એક ટીમે દહેગામમાં પડાવ નાખ્યો છે.
યુવરાજ સિંહે ખંડણીની વસૂલી કર્યા બાદ જમીનનો સોદો કર્યો હતો. આ ઉપરાંત આ કેસમાં શુક્રવારે છઠ્ઠા આરોપી અલ્ફાઝ ખાન ઉર્ફે રાજુની પણ પોલીસે ધરપકડ કરી છે. સાથે જ ફરિયાદમાં જે આરોપીઓના નામ હતા તે તમામ છ લોકો હવે પોલીસ કસ્ટડીમાં છે.
અલ્ફાઝ ખાનને યુવરાજ સિંહના જાડેજા સાળા કાનભા ગોહિલ દ્વારા આ કાંડમાં સામેલ કરવામાં આવ્યો હતો, કારણ કે તે એક સામાન્ય મજૂર હતો અને જાણીતો ચહેરો નહોતો.
પોલીસના જણાવ્યા મુજબ, યુવરાજ સિંહના સાળા અને અન્ય આરોપી ઘનશ્યામ લાધવાએ ડમી ઉમેદવાર રેકેટના બે મુખ્ય સૂત્રધાર પ્રકાશ ઉર્ફે પીકે દવે અને પ્રદિપ બારૈયા સાથે કરેલી બેઠકમાં અલ્ફાઝ પણ હાજર રહ્યો હતો. તેઓએ કથિત રીતે અલગ અલગ બેઠક કર્યા બાદ પીકે દવે પાસેથી રુપિયા ૪૫ લાખ અને બારૈયા પાસેથી રુપિયા ૫૫ લાખ વસૂલ્યા હતા. કથિત રીતે યુવરાજ સિંહ જાડેજા દ્વારા રેકેટમાં ડમી ઉમેદવારોના નામ જાહેર ન કરવા માટે રુપિયા માંગવામાં આવ્યા હતા.
યુવરાજ સિંહે ગઈ પાંચમી એપ્રિલના રોજ ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આ રેકેટની વાત કરી હતી. ડમી ઉમેદવાર રેકેટમાં ગઈ ૧૪ એપ્રિલના રોજ ફરિયાદ નોંધાઈ હતી અને આ કેસમાં ધરપકડની સંખ્યા વધી હતી. આ ગુનામાં ૫૨ લોકો સામેલ હોવાનું ખુલ્યું હતું અને તેમાંથી ૩૨ લોકો સામે ફરિયાદ થઈ હતી.
એક અધિકારીએ જણાવ્યું કે, અલ્ફાઝ ઉર્ફે રાજુ લાંબા સમયથી કાનભા ગોહિલનો દોસ્ત હતો અને તે પીકે દવે તથા બારૈયાની સાથે યોજાયેલી બેઠકમાં પણ હાજર રહ્યો હતો. આ બેઠકમાં રુપિયાની ડીલ થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ આરકે નામના શખસને અને અન્ય એક વચેટિયાને શોધી રહી છે.
જ્યારે ૨૧ એપ્રિલના રોજ ખંડણીની ફરિયાદ નોંધાઈ ત્યારથી પોલીસે કુલ ૭૩.૫ લાખ રુપિયા કબજે કર્યા છે. શુક્રવારના રોજ પોલીસે વધુ ત્રણ લાખ રુપિયા કબજે કર્યા હતા, જે શિવુભાએ તેના એક પરિચિતને આપ્યા હતા. ભાવનગરના કલંકિત ડમી ઉમેદવાર કાંડમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કલ્પેશ જાની નામના એક સરકારી સ્કૂલના શિક્ષકની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે ધરપકડનો આંકડો ૩૩ પર પહોંચી ગયો છે.
કલ્પેશ જાની ઉદેપુરમાં નોકરી કરતો હતો અને સરકારી પરીક્ષા પાસ કરાવવા માટે એક ડમીને કામ પર રાખતો હતો. ધરપકડ કરવામાં આવેલાં ૩૩ માંથી ૧૫ જેટલાં આરોપીઓ સરકારી કર્મચારીઓ છે. જેઓએ નોકરી મેળવવા માટે અનૈતિક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો.SS1MS