છેલ્લા 4 વર્ષ દરમ્યાન AMCએ રોડ માટે રૂ.૪૩૮૩ કરોડ ખર્ચ કર્યા અને ૩૩૯ ભુવા પડ્યા

પ્રતિકાત્મક
સ્માર્ટ સીટીના રોડ માત્ર પેનથી ઉખડી જાય છે. જેથી રોડ પાછળ ખર્ચેલા પ્રજાના નાણાં ભષ્ટ્રાચારી વહીવટને કારણે વેડફાઈ ગયાં છે તે સ્પષ્ટ થાય છે.
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા વારંવાર વિકાસની વાતો કરવામાં આવે છે સને પ્રજાકીય કામોના નામે બજેટનું કદ પણ વધારવામાં આવે છે. પરંતુ આ કથિત વિકાસ અને બજેટ નો લાભ પ્રજા સુધી પહોંચતો નથી.
શહેરના કરદાતાઓ હજી પણ પાણી માટે વલખાં મારે છે તેમજ બારેમાસ તૂટેલા રોડ પર વાહન ચલાવવા મજબુર બન્યા છે. દર વરસે રોડ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોવા છતાં સામાન્ય વરસાદમાં શહેર ભુવનાગરી બની જતું હોવાના આક્ષેપ વિપક્ષ તરફથી કરવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ ના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૧-૨૨ થી સને ૨૦૨૪-૨૫ દરમ્યાન રોડ બનાવવા પાછળ રોડ પ્રોજકેટ દ્વારા ૨૦૭૮ કરોડ, વિવિધ ઝોન દ્વારા ૫૯૦ કરોડ તથે સ્વર્ણિમ યોજના અંતર્ગત ૧૭૧૪.૮૬ કરોડ મળી છેલ્લા ચાર વર્ષમાં કુલ રૂ.૪૩૮૩.૧૬ કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે
વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં વોર્ડ દીઠ બે વ્હાઇટ ટોપિંગ રોડ એટલે કે કુલ ૯૬ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની વાતો કરેલ હતી પરંતુ વાસ્તવિકતા મુજબ હજુ ૪૦% પણ રોડ બનાવી શક્યા નથી ૬૦ % વ્હાઈટ રોડ બનાવવાના બાકી છે જે ભાજપના પોકળ અને અણધડ વહીવટનો પુરાવો છે
અમદાવાદ શહેરમાં વરસાદ સિઝન દરમ્યાન ૨૦૨૧-૨૨માં ૪૯ ભુવા, ૨૦૨૨-૨૩ માં ૭૯ ભુવા, ૨૦૨૩-૨૪ માં ૧૫૮ ભુવા અને ૨૦૨૪-૨૫માં ૫૦ પડ્યા હતા.એટલે કે છેલ્લા ૪ વર્ષમાં અમદાવાદ શહેરમાં કુલ ૩૩૯ મોટા ભુવા પડયા હતા.. આ સાથે નાના ભુવાની સંખ્યા જોડતાં ભુવા પડવાની સંખ્યા બમણાં કરતાં વધુ થઇ જવા પામે તેની નવાઈ નહી સત્તાધારી ભાજપના સત્તાધીશો છેલ્લા ૧૦ વર્ષમાં ડામરનો સારો અને ટકાઉ રોડ બનાવી નથી શકતાં,
પ્રજાને સારા રોડ રસ્તા આપી નથી શકતાં તેમજ સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ જાય છે. ચાલુ વર્ષે ૧૯૦૦૦ હજારથી વધુ નાના-મોટા ખાડાઓ પડયા હતા. શાસકો ઘ્વારા મોડેલ રોડ, વ્હાઈટ ટોપિંગ રોડ અને હવે આઇકોનીક રોડ જેવા નીત નવા અખતરાં કર્યા બાદ પણ રોડ-રસ્તાની સમસ્યાઓ પરિસ્થિતિ ઠેરની ઠેર રહી છે તેમજ બિસ્માર રોડ રસ્તા બાબતે નામ.હાઈકોર્ટ દ્વારા ઠપકો આપવામાં આવે છે.
સ્માર્ટ સીટીના રોડ માત્ર પેનથી ઉખડી જાય છે. જેથી રોડ પાછળ ખર્ચેલા પ્રજાના નાણાં ભષ્ટ્રાચારી વહીવટને કારણે વેડફાઈ ગયાં છે તે સ્પષ્ટ થાય છે. અમદાવાદ મ્યુ.કોર્પોના સત્તાધીશો દ્વારા છેલ્લા ૪ વર્ષમાં રોડ બનાવવા માટે કુલ રૂ.૪૩૮૩ કરોડનો ખર્ચ કર્યા બાદ રોડની ફરિયાદો દિન-પ્રતિદિન વધવા પામે બજેટનું કદ વધે ખર્ચ પણ વધે ત્યારે રોડની ફરિયાદો કેમ વધે છે તે વિચારણા માંગી લે તેવી બાબત છે.