ઓપરેશન દરમ્યાન પેટમાંથી ૬૩ સ્ટીલની ચમચીઓ નીકળી
ઓપરેશન દરમિયાન ડોક્ટરોએ દર્દીના પેટમાંથી એક-બે નહીં પરંતુ એક પછી એક ૬૩ સ્ટીલની ચમચીઓ કાઢી છે
દર્દીની હાલત હજુ પણ ગંભીર છે
નવી દિલ્હી,ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. અહીંની એક ખાનગી હોસ્પિટલમાં દર્દીના પેટમાંથી સ્ટીલની ઘણીબધી ચમચીઓ બહાર કાઢવામાં આવી છે. ઓપરેશન દરમિયાન ડોક્ટરોએ દર્દીના પેટમાંથી એક-બે નહીં પરંતુ એક પછી એક ૬૩ સ્ટીલની ચમચીઓ કાઢી છે! હાલ દર્દીની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ડૉક્ટરો સતત આ દર્દીની સંભાળમાં રોકાયેલા છે.
દર્દીના પેટમાંથી ચમચી નીકળવાની આ ઘટનાથી અત્યારે લોકો આશ્ચર્યમાં છે. મળતી માહિતી અનુસાર, મંસૂરપુર પોલીસ સ્ટેશનના બોપાડા ગામનો રહેવાસી વિજય ડ્રગ્સનો બંધાણી છે. જેના કારણે વિજયના પરિવારજનોએ તેને વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કર્યો હતો.
વિજયને લગભગ પાંચ મહિના પહેલા શામલી જિલ્લામાં સ્થિત એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત બગડતાં તેના પરિવારના સભ્યો તેને મુઝફ્ફરનગરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં ડૉક્ટરે તેનું ઓપરેશન કર્યું ત્યારે તેના પેટમાંથી સ્ટીલની ૬૩ ચમચીઓ નીકળી જતાં મેડિકલ સ્ટાફના પણ ચોંકી ગયો હતો. આવું દ્રશ્ય તેમણે પણ પહેલીવાર જાેયું.
યુવકના પેટમાંથી ચમચીઓ નીકળતા પરિવાર પણ આશ્ચર્યચકિત થઈ ગયો છે. બધા વિચારી રહ્યા છે કે ચમચી પેટમાં કેવી રીતે ગઈ? હાલ દર્દીની હાલત નાજુક છે. હવે સવાલ એ થાય છે કે વિજયના પેટમાં આટલી બધી ચમચી ગઈ કેવી રીતે? કારણ કે સામાન્ય રીતે એવું શક્ય નથી કે વ્યક્તિ ભોજનની સાથે ચમચી પણ ખાય.
વિજયના પરિવારનો આરોપ છે કે વ્યસન મુક્તિ કેન્દ્રના સ્ટાફ દ્વારા તેને બળજબરીથી ચમચી ખવડાવવામાં આવી હતી. જાે કે, પીડિત દ્વારા હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી, તેથી પેટમાં આટલી સંખ્યામાં ચમચી મળવાનું રહસ્ય અકબંધ છે. વિજયના પેટમાં ૬૩ ચમચી કેવી રીતે ગયા તે તપાસનો વિષય છે. જ્યારે આ સમગ્ર ઘટનામાં ઓપરેશન કરનાર ડોક્ટર સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે તેમના માટે સૌથી પહેલું કામ દર્દીનો જીવ બચાવવાનું છે.
દર્દીની હાલત હજુ પણ ગંભીર છે, તેથી જ્યાં સુધી દર્દી સામાન્ય નહીં થાય ત્યાં સુધી તેઓ આ મામલે મીડિયા સમક્ષ નહીં આવે. આ અંગે માહિતી આપતા વિજયના ભત્રીજા અખિલ ચૌધરીએ જણાવ્યું હતું કે અમારા મામાને વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને ચમચી ખવડાવામાં આવી. એક ચમચી ખાધા પછી તેમને તકલીફ થઈ, ત્યાર બાદ અમારે તેમનું ઓપરેશન કરાવવું પડ્યું.ss1