સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક અને ઐતિહાસિક નગરી દ્વારકા
દ્વારકાધીશની પૂજા કરાવવાનો અધિકાર ગૂગળી બ્રાહ્મણો ધરાવે છે. મંદિરની ધજા ચડાવવાની વિધિ, પૂજા અને ગોમતી ઘાટે યાત્રાળુઓને સ્નાન સંકલ્પ પણ ગૂગળી બ્રાહ્મણો દ્વારા કરાવાય છે.
મોતીના ઝૂમખા જેવો ચારણ ચરણનો દૂહો એ લોકસાહિત્યની ઓળખ છે. આવા નાનકડા દુહા સૌરાષ્ટ્રના લોકો, નગરો, પંથક અને પ્રદેશોનો સરસ મજાનો પરિચય કરાવે છે. ઉ.ત. ‘ઝાઝાં ઝાળાં ઝાંખરાં, પથ્થરાનો નઈ પાર,
જ્યાં રત્નાકર સદાય ઘૂઘળે, ત્યાં રાજ કરે રણછોડ.’
અહીં આજે મારે વાત કરવી છે શ્રી કૃષ્ણની ઐતિહાસિક અને સાંસ્કૃતિક નગરી દ્વારકાની. ભારત દેશમાં આવેલી મોક્ષદાયક મનાતી સાત નગરીઓમાંની એક પુરાણપ્રસિદ્ધ શ્રી કૃષ્ણની નગરી દ્વારકા છે. દેશના ૬૮ તીર્થો પૈકીનું એક તીર્થ એ ચાર ધામ પૈકીનું એક ધામ દ્વાકા છે. શંકરાચાર્યજીએ ભારતની ચારેય દિશાઓમાં સ્થાપેલી પીઠો પૈકીની શારદાપીઠ અહીં મંદિર પરિસરમાં આવેલી છે.
આનર્તો, કુશ અને યાદવોની પૌરાણિક કર્મભૂમિ તરીકે ઓળખાતી આ નગરી જુનાકાળે કુશસ્થલી, દ્વારામતી, ઉષામંડલ, બરાકે, વારિદુર્ગ, ધર્મસભાસની, કુશદ્વીપ, કુશાવર્ત, યદુપુરી, હરિગૃહ અને દ્વારકર્ક તરીકે ઓળખાતી. આજે એ દ્વારકા કે દ્વારિકા તરીકે દેશમાં સુવિખ્યાત છે. સોમનાથ શિવાલયની માફક દ્વારકાના મંદિરોને અનેક વખત વિધર્મીઓ અને કુદરતી ઉથલપાથલનો એરુ આભડી ગયાનું જણાય છે.
શ્રી કૃષ્ણએ વસાવેલી દ્વારકા પર આજની હયાત દ્વારકાએ છ છ વખત વિનાશ- ઉત્થાનનું પરિણામ છે. આજની અડીખમ દ્વારકા કૃષ્ણની યાદોને તાજી રાખવા હજારો ભાવિક ભકતોને સાદ દઈને બોલાવી રહી છે. આવો, અહીં હજુ યુગપુરુષ શ્રી કૃષ્ણના સાÂત્વક સ્પંદનો મોજુદ છે. એને અનુભવો, અહીં નરસિંહ, સોમેશ્વર, કવિ ભીમ, ઈશરદાન બારોટ, આદ્ય શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, સંતનામદેવ, સંત કબીર, ચૈતન્ય મહાપ્રભુ, સંત તુલસીદાસ, સમર્થ રામદાસ, મીરાંબાઈ આવા અનેક સંતો-મહંતોએ ભગવાનના ગુણગાન ગાયા છે.
જેનાથી પુલકિત વૈષ્ણવ સંપ્રદાયની ફૂલવાડી ચોમેર સુગંધ પ્રસરાવી રહી છે. અહીં હજારો દેવતાઓ ગોમતી માતાના નિર્મળ નીરમાં પાદપ્રક્ષાલન કરી રહ્યા છે. અહીં રત્નાકરની મહેર છે. અહીં તુલસીનું પવિત્ર પાન હાજરાહાજુર છે. એમ શ્રી સવજી છાયા નોંધે છે. પ્રાચીન રાજધાનીઓમાં મહત્વનું સ્થાન ધરાવતા દ્વારકાની ગણતરી સૌરાષ્ટ્રના પાંચ રત્નોમાં થાય છે, એમ રસકૌમુર્દીના કર્તા શ્રીકંઠ નોંધે છે.
‘સૌરાષ્ટ્રે પંચરત્નાની નદી, નારી તુરંગમ્,
ચતુર્થે સોમનાથ શ્વ, પંચમમ્ હરિદર્શનમ્.’
અર્થાત્: સૌરાષ્ટ્રના પાંચ રત્નોમાં નદીનારી, અશ્વ, સોમનાથ મંદિર અને દ્વારકા છે. નદી સૌદર્યનું પ્રતીક છે. નારી સમૃદ્ધિનું પ્રતીક છે. અશ્વ શક્તિનું અને સોમનાથ તથા દ્વારકા ભક્તિનું પ્રતીક છે. દ્વારકામાં થયેલા સંશોધનો દ્વારકાની ઈ.સ. પૂર્વેની પ્રાચીનતાને પ્રસ્થાપિત કરે છે. ઈ.સ. પૂર્વે પ્રથમ સદીમાં લખાયેલ ગ્રીકસાગર કથા ‘પેરિપ્લસ’માં દ્વારકાનો ઉલ્લેખ ‘બરાકે’ તરીકે સાંપડે છે.
તે અનુસાર પૌરાણિક દ્વારકા તીક્ષ્ણ ખડકાળ કિનારાવાળા સાત ટાપુના સમુહનો દેશ હતો. જે કાળક્રમે રેતી તથા પરવાળાના ભરાવાથી તેમજ ધરતીકંપ કે સુનામીની આપત્તિથી એક ટાપુમાં પરિવર્તિત થતો રહ્યો. તેના પર વસેલી કૃષ્ણની નગરીનું સર્જન વિસર્જન તથા પુનઃ સર્જનની પ્રક્રિયા સતત ચાલ્યા કરી છે. અગાઉ અહીં ગોમતી, ઓખા, મીઠી, ખારી ચરણગંગા અને ચંદ્રભાગા જેવી નદીઓ વહેતી હતી. એમાંની કેટલીક નદીઓ નામશેષ થઈ ગઈ છે અને બાકીની ખારાશને કારણે સમુદ્રનો કેટલોક ભોગ બની ગઈ હોવાનું શ્રી સવજી છાયા નોંધે છે.
દ્વારકામાં વહેતી ગોમતી નદી દ્વારકાધીશના પાદપ્રક્ષાલન કરતી વહે છે. આ નદી જે સ્થળે સમુદ્રને મળે છે તે સ્થળને ગોમતીતીર્થ કહે છે. દરિયામાં ભરતી આવે ત્યારે ગોમતીમાં પાણી ચડે છે. એ વખતે તેના દેખાવ સરોવરમય બની જાય છે. જયારે ઓટ આવે ત્યારે ગોમતી નદીની જેવી વહેતી નદી બની જાય છે નદીના શહેર તરફના કાંઠે પથ્થરનો એક સુંદર ઘાટ બાંધેલો છે.
મંદિરના પાછળના ભાગેથી પગથિયાં ઉતરીને ઘાટ પર સ્નાનદર્શન માટે જઈ શકાય છે. આ ઘાટ ઉપર દેવીદેવતાઓના મંદિરો આવેલા છે. દ્વારકામાં જોવાલાયક દર્શનીય સ્થળોમાં મુખ્ય પણ રણછોડરાયજીનું મંદિર છે. આ મંદિરમાં શ્રી કૃષ્ણના પૌત્ર વજ્રનાભે બંધાવ્યાનું કહેવાય છે. દંતકથા એવી પણ છેકે આ મંદિર વિશ્વકર્માએ પોતે આવીને એક રાતમાં બાંધી દીધું હતું.
દ્વારકાના દરિયાકાંઠે આવેલું રણછોડરાયજીનું મંદિર રપ૭ ફૂટની ઉંચાઈ ધરાવે છે જેના શિખરની ઉંચાઈ ૧૦૦ ફૂટ ઉપર છે. કોઈ એને જગતમંદિર તરીકે ઓળખે છે. તો કોઈ એને ત્રેલોક્ય સુંદર મંદિરના નામે ઓળખે છે. મંદિરના સ્થાપત્યકાળ વિશે વિદ્ધાનોમાં મતભેદ પ્રવર્તે છે. મંદિરનો મૂળ ભાગ મૈત્રકકાલીન હોવાનું જાણીતા ઈતિહાસ વિદ્ ડો. હરિપ્રસાદ શાસ્ત્રી માને છે. તો માથા પર મોર મુગટવાળા શિલ્પોમાં શ્રી પુષ્કર ગોકાણી આર્યશૈલીની અસર જુએ છે.
ઈ.સ. ૧૪પ૯માં સુલતાન મહંમદ બેગડાની ચડાઈ વખતે દ્વારકાના અનેક મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે આ મંદિરના શિખરનો પણ ધ્વંશ કર્યાનું બની શકે. પછીના કાળમાં આ શિખર બંધાયું હશે તેમાં કોઈને અકબરકાલીન સ્થાપત્યનું સ્વરૂપ દેખાય છે. તો કોઈને ગુજરાત રાજસ્થાનના રાજપૂત સ્થાપત્યની ઝલક જોવા મળે છે એમ સવજી છાયા લખે છે.
વૈષ્ણવ સંપ્રદાયના આ સ્થાપત્યએ સૌરાષ્ટ્રની રાજપૂત શૈલીનો સુવર્ણયુગ જોયો છે. પુરાતત્વવિદો મંદિરને બે ભાગમાં વહેંચે છે. (૧) નિજમંદિર (ર) લાડવા દહેરું, નિજમંદિર ૭ માળ ધરાવે છે. જયારે લાડવા દહેરુ પ માળનું છે. મંદિર ઉગમણે આથમણે ૯૦ અને ઓતર દખ્ખણે ૭ર ફૂટનો ઘેરાવો ધરાવે છે. મંદિરના સમગ્ર બાંધકામમાં ક્યાંય લાકડું કે કમાનનો ઉપયોગ થતો નથી.
કમાનની જગ્યાએ લીન્ટલ લેવલે ર ટનની શિલાનો ઉપયોગ થયો છે. આ મંદિર સ્થાપત્યવિદ્યાની એક અજાયબી ગણાય છે. મંદિરની બહારની જંઘામાં વૈષ્ણવ સંપ્રદાયના અનેક અવતારોના શિલ્પ જોવા મળે છે. એમાં મજાની વાત એ છે કે કેટલાક શિલ્પો ગ્રીક અને ઈરાનના સ્થાપત્યની અસરો પણ ધરાવે છે. મંદિરના ગર્ભગૃહમાં ઘેરાલીલા પારેવા રંગની દ્વારકાધીશની અઢી ફૂટની ઉંચાઈ ધરાવતી ચતુર્ભુજ મનમોહક પ્રતિભા આરૂઢ છે. હાલમાં પૂજાતી આ પ્રતિમા શંકરાચાર્યે અનિરુદ્વાચાર્યે ડુંગરપુરથી લાવીને પધરાવેલી છે. દ્વારકાના જગતમંદિરમાં પ્રથમ પૂજાયા બાદ અન્ય ત્રણ પ્રતિમાઓ સ્થળાંતર થઈ જુદા જુદા મંદિરોમાં પૂજાઈ રહી હોવાની કિવદંતીઓ કહેવાય છે.
ઈ.સ.૧૧પ૬માં ડાકોરના વતની રાજપૂત વિજયસિંહે (ભક્ત બોડાણા) દ્વારકાધીશ મંદિરના ગર્ભગૃહની પ્રતીમા લઈ ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં પ્રસ્થાપિત કરી હતી તે સૌથી વધુ પ્રાચીન ગણાય છે.
બીજી પ્રતિમા ઈ.સ.૧૪૪૪માં ભકત કવિ નરસિંહ મહેતાના કાકા પર્વત મહેતાએ દ્વારકાધીશના ગર્ભગૃહેથી લઈ માંગરોળમાં પ્રસ્થાપિત કરી હતી. ત્રીજી મૂર્તિ ૧પ૦પમાં શ્રીમદ્ વલ્લભાચાર્યની દ્વારકા પરિક્રમા દરમિયાન લાડવા ગામની સીમમાંથી મળેલી તે દ્વારકા મંદિરમાં પ્રથમ સ્થાપિત કરેલી તે આજે બેટ શંખોદ્વારના નવનિર્મિત મંદિરમાં પધરાવવામાં આવી છે.
દ્વારકાધીશની પૂજા કરાવવાનો અધિકાર ગૂગળી બ્રાહ્મણો ધરાવે છે. મંદિરના ધજા ચડાવવાની વિધિ, પૂજા અને ગોમતી તીરે યાત્રાળુઓને સ્નાન સંકલ્પ પણ ગૂગળી બ્રાહ્મણો દ્વારા કરાવાય છે. માતા ગોમતી મનવાંÂચ્છત ફળ આપનાર મનાતી હોવાથી જૂના કાળે કોલવા ભગત, નરસિંહ મહેતા, પીપાભગત, અહીં આવીને ગોમતી સ્નાન કરી ગયા હતા એનવી લોકમાન્યતા પણ જાણીતી છે.
અહીં દ્વારકાધીશજીની પૂજા જુદી જુદી બે રીતે બે પ્રકારે કરવામાં આવે છે. ૧. વૈષ્ણવ વૈદિક શાસ્ત્રોકતવિધિ પ્રમાણે અને બીજી દ્વાકાના રાજાધિરાજ તરીકે. તેમાં રણછોડરાયજીને રજવાડી સાફો, ઢાલ, તલવારના શણગારો ચડાવવામાં આવે છે.