Western Times News

Gujarati News

દ્વારકાના કેટલાક વિસ્તારોમાં વીજળી નથી, NDRFની ટીમો અલગ અલગ સ્થળોએ રવાના

File

(પ્રતિનિધિ) અમદાવાદ, સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામ્યુ છે અને મેઘરાજા રોદ્ર સ્વરૂપ ધારણ કરીને વરસી રહ્યાં છે. પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં અતિભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયાં છે. તેમજ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યાં છે. દરમિયાન આજે સાંજે ૬ વાગ્યા સુધી રાજ્યના ૮૭ તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

હવામાના વિભાગના જણાવ્યા અનુસાર દ્વારકામાં સાડા ૬ ઈંચ વરસાદ, જૂનાગઢમાં સાડા પાંચ ઈંચ વરસાદ, તાલાલામાં ચાર ઈંચ વરસાદ, જૂનાગઢના વંથલીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, જૂનાગઢના મેંદરડા – માણાવદરમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય જૂનાગઢના માંગરોળમાં ૨ ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે જ આઠ તાલુકામાં ૨ ઈંચ કરતા વધુ વરસાદ, છ તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ અને ૭૩ તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે પાણની સારી આવક થઈ છે અને રાજ્યના તમામ નદી,નાળા, સરોવરો અને ડેમ પાણીથી છલકાયા છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ ૧૫ ઈંચ જેટલો વરસાદ તેમજ પોરબંદર તાલુકામાં ૧૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે દ્વારકામાં ૩ દિવસથી કેટલાક વિસ્તારોમાં વીજળી ગૂલ છે અને ઠેરઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દ્વારકામાં ભારે વરસાદને પગલે ભાટિયા ભોગાત હાઈવે પર પાણી ભરાયા છે

અને આસપાસના ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે અને ખેતરો જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. જો કે વરસાદી પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોએ પાણીના નિકાલ માટે જેસીબી વાહનોની મદદથી પાણી નિકાલની કામગીરી શરૂ કરી છે. ત્યારે ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે અને જગતનો તાત મોટી ચિંતામાં મુકાયો છે.

ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ૧૦ ટીમોને અલગ અલગ સ્થળોએ રવાના કરાઈ છે. જેમાં નર્મદામાં ૧ ટીમ, કચ્છમાં ૧ ટીમ, વલસાડમાં ૧ ટીમ, દેવભૂમિ દ્વારકામાં ૧ ટીમ, જૂનાગઢમાં ૧ ટીમ, ભાવનગરમાં ૧ ટીમ, અમરેલી માં ૧ ટીમ, સુરતમાં ૧ ટીમ, ગીર સોમનાથમાં ૧ ટીમ, ૧ ટીમ રાજકોટથી દેવભૂમિ દ્વારકા જવા રવાના થઈ છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લા અને તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અનેક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા જળાશયોના નીર છલકાયા છે. કેશોદ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે સાબરી ડેમના ૭ દરવાજા બે ફૂટ ખોલાતા પસવાડિયા સહિતના ગામો સંપર્ક વિહોણું થઇ ગયું છે.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ અલર્ટ અપાયુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં રેડ એલર્ટ છે. સુરત, નવસારી, વલસાડ, દમણમાં આજે રેડ અલર્ટ છે. પોરબંદર, દ્વારકા અને ગીર સોમનાથમાં આજે રેડ અલર્ટ છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.