દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્યજીના હસ્તે સોમપુરા હેન્ડીક્રાફ્ટનો શુભારંભ થયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/08/SOMPURA-HANDICRAFTS-1-1024x682.jpg)
અમદાવાદ, 05 ઓગસ્ટ, 2024: અમદાવાદમાં સૌપ્રથમ ભારતીય સનાતન પરંપરા અને સંસ્કૃતિની ઝલક આપતી આર્ટ ગેલેરી સોમપુરા હેન્ડીક્રાફ્ટનો શુભારંભ અનંતશ્રી વિભૂષિત પશ્ચિમમાંય દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્યજી પરમ પૂજ્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજીના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
વિશ્વભરમાં ભવ્ય મંદિરોનું નિર્માણકર્તા સોમપુરા પરિવારના મેહુલભાઇ દ્વારા ભારતીય વાસ્તુ, શિલ્પશાસ્ત્ર અને પ્રતિમા શાસ્ત્રને ધ્યાનમાં રાખીને તથા વિજ્ઞાન અને ટેક્નોલોજીના સમન્વય સાથે આર્ટ ગેલેરી તૈયાર કરવામાં આવી છે.
આ આર્ટ ગેલેરી શરૂ કરવાનો ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના કલાપ્રેમી યુવાનો અને ઉભરતાં કલાકારો વચ્ચે ભારતીય સ્થાપત્ય કળા, સંસ્કૃતિ અને પ્રાચિન સ્થાપત્યોના સાહિત્યો અંગે જાગૃતિ અને સમજણનો પ્રસાર કરવાનો છે.
પ્રાચિનકાળથી ભારત અને વિશ્વભરમાં ભવ્ય હિન્દુ મંદિરો અને જૈન દેરાસરોના શિલ્પ સ્થાપત્ય અને મહાલયોના નિર્માણકાર્યમાં અમૂલ્ય યોગદાન આપી રહી છે. આ ગેલેરીમાં પત્થર જેવા જડ અને કઠીન તત્વ ઉપર ટાંકણા અને હથોડાની મદદથી નાજૂક, નમણી, નયનરમ્ય આકૃતિ, અમર શિલ્પોની કૃતિઓનું સર્જનર સોમપુરા શિલ્પીઓએ કર્યું છે.
આ પ્રસંગે આર્ટ ગેલેરી સોમપુરા હેન્ડીક્રાફ્ટ સંચાલક મેહુલભાઇએ કહ્યું હતું કે, અનંતશ્રી વિભૂષિત પશ્ચિમમાંય દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્યજી પરમ પૂજ્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજીના વરદ હસ્તે આજે આર્ટ ગેલેરીનો શુભારંભ થતાં અમે ખૂબજ આદર અને સન્માનની લાગણી અનુભવીએ છીએ.
આ આર્ટ ગેલેરીના માધ્યમથી અમે સમગ્ર ગુજરાતના કળા, સંસ્કૃતિ અને પ્રાચિન સ્થાપત્યોમાં રૂચિ ધરાવતા લોકો વચ્ચે આપણી કલા અને સંસ્કૃતિ વિશે જાગૃૃતિનો પ્રસાર કરવાનો તથા રાજ્યના યુવાનોને આપણા સમૃદ્ધ વારસા, સંસ્કૃતિ અને સ્થાપત્યોથી પરિચિત કરાવવાનો છે. મને વિશ્વાસ છે કે અમારી અનોખી પહેલને રાજ્યભરના લોકો તરફથી ખૂબજ સકારાત્મક પ્રતિસાદ મળશે.