સુરત ઈ-સિગારેટ કાંડઃ ચીનથી રૂ.૬૦૦માં લાવી ભારતમાં રૂ.ર,૪૦૦માં વેચતા હતા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/E-cigarate.jpg)
સુરત, સુરત ડીઆરઆઈ વિભાગ દ્વારા પલસાણા હાઈવે પરથી જપ્ત કરવામાં આવેલી ર૦ કરોડ રૂપિયાની પ્રતિબંધિત સિગરેટ કેસમાં પુછતરછમાં વધુ વિગતો સામે આવી રહી છે. જે લોકોએ ઈ-સિગારેટ મંગાવી હતી તેઓ અગાઉ પણ બે વારમાં કરોડો રૂપિયાની સિગારેટ ઈમ્પોર્ટ કરી ચૂકયા છે અને ત્રીજી વાર પણ એ જ મોડસ ઓપરેન્ડીથી ઈમ્પોર્ટ કરવા જતા ફસાઈ ગયા હતા.
સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ડીઆરઆઈ વિભાગના અધિકારીઓએ મુંદ્રા સેઝથી મુંબઈ જઈ રહેલા કન્ટેનરને પલસાણા હાઈવે પર રોકી તેમાંથી પ્રતિબંધિત ર૦ કરોડના ઈ-સિગરેટ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. ભારતમાં ઈ-સિગરેટ પ્રતિબંધિત હોવાથી કેટલાક લોકો ચોરીથી વિદેશથી ઈમ્પોર્ટ કરી તેને ઉંચી કિંમતે વેચે છે.
અહીં પણ સિગરેટ ઈમ્પોર્ટ કરનારાઓને પ્રતિ નંગ સિગરેટ ૬૦૦ રૂપિયાની કિંમતે મળી રહી હતી, જે તેઓ ચાર ગણા નફા સાથે એટલે કે ર૪૦૦ રૂપિયામાં બજારમાં વેચી રહ્યા હતા.
કન્ટેનરની તપાસ દરમિયાન ડીઆઈઆઈ દ્વારા પરવેઝ નામના શખ્સની ધરપકડ પણ કરવામાં આવી હતી જેની પાસે વધુ વિગતો જાણવા માટે અધિકારીઓ દ્વારા પ્રયાસ જારી છે. હાલ સુધીની તપાસમાં અધિકાીરઓને જાણવા મળ્યું છે કે અગાઉ પણ આ રીતે બે વાર કસ્ટમ વિભાગને ગુમરાહ કરી મિસ ડિકલેરેશન દ્વારા કરોડો રૂપિયાના ર૦૦ કાર્ટેલ બે વારમાં ઈમ્પોર્ટ કરવામાં આવ્યા હતા અને સ્થાનિક બજારમાં વેચી નખાયા હતા.
કંપની મુંબઈમાં રજિસ્ટર્ડ કરવામાં આવી છે અને માલિક પણ મુંબઈનાજ નિવાસી છે. ડીઆરઆઈ વિભાગે તેના સુધી પહોંચવા માટેની કસરત શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે ચીનથી આયાત કરવામાં આવેલા કન્ટેનરમાં અન્ય ૭૦૦ બોકસ પણ હતા જેમાં હોમ પ્રોડકટની તમામ વસ્તુઓ હતી.