અફઘાનિસ્તાનમાં ભૂકંપ 2000 લોકોના મોત

(એજન્સી)કાબુલ, અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના કારણે ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તાલિબાનના પ્રવક્તા મુજબ અફઘાનિસ્તાનના પશ્ચિમમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં લગભગ ૨,૦૦૦ લોકો માર્યા ગયા છે.
આ તરફ પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ઈરાની સરહદ પાસે આવેલા આ શક્તિશાળી ભૂકંપ બાદ મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૩ માપવામાં આવી છે.
પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ઈરાની સરહદ પાસે ધરતીકંપને કારણે હેરાત શહેરથી લગભગ ૪૦ કિમી (૨૫ માઇલ) દૂર આવેલા કેટલાંક ગામોનો નાશ થયો હતો. ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે. ઓછામાં ઓછા ત્રણ શક્તિશાળી આંચકા લોકોએ અનુભવ્યા હતા.
બચી ગયેલા લોકોએ ભયાનક દ્રશ્યોનું વર્ણન કર્યું અને કહ્યું કે, ઓફિસની ઇમારતો પહેલા હલી ગઈ અને પછી અચાનક ધસી પડી હતી. આ તરફ દેશના માહિતી અને સંસ્કૃતિ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ વાહિદ રાયાને જણાવ્યું હતું કે, હેરાતમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક મૂળ અહેવાલ કરતાં વધુ છે.