રાજસ્થાનને અડીને આવેલી પાક.ની સરહદમાં ધરતીકંપ
જયપુર, રાજસ્થાનને અડીને આવેલી પાકિસ્તાનની સરહદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન સરહદી વિસ્તારની અંદર છે.
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ માપવામાં આવી છે. પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં ભૂકંપની આ ઘટના ૨ ફેબ્રુઆરીના રોજ સવારે ૯ઃ૧૪ વાગ્યે બની હતી. ભૂકંપની ઊંડાઈ જમીનથી ૧૦ કિલોમીટર નીચે છે.
આ અગાઉ પાકિસ્તાન સરહદની એકદમ નજીક ૧૭ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ રાજસ્થાનના ૬ જિલ્લામાં અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે જિલ્લાઓમાં આ આંચકા અનુભવાયા હતા તેમાં જયપુર, ટોંક, જાલોર, શ્રીગંગાનગર, બુંદી અને બિકાનેરનો સમાવેશ થાય છે. તે સમયે ભૂકંપના આંચકાને કારણે કોઈ જાન-માલનું નુકસાન નહોતુ થયુ. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે મોટાભાગના લોકોએ આંચકાનો અનુભવ પણ નહોતો થયો.
રાજસ્થાનની સરહદે આવેલા પાકિસ્તાનના બહાવલપુરમાં ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ૩ દિવસ પહેલા પાકિસ્તાનના અનેક હિસ્સામાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા ઈસ્લામાબાદ, રાવલપિંડી અને દેશના અન્ય વિસ્તારોમાં અનુભવાયા હતા.SS2.PG