Western Times News

Gujarati News

કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા, એક કલાકમાં બે વખત ધરા ધ્રૂજી

કચ્છ, કચ્છને ફરી એકવાર ભૂકંપના આંચકાએ ધ્રૂજાવ્યું છે, એક કલાકની અંદર ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. દુધઈ પાસે સવારે ૬.૩૮ કલાકે ૪.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

આ સિવાય ખાવડા પાસે સવારે ૫.૧૮ કલાકે ૩.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ભૂકંપના આંચકાએ લોકોને ૨૦૦૧ની યાદ અપાવી દીધી છે.

ભૂકંપ આવવાથી લોકો સવાર-સવારમાં પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. કચ્છમાં ફરી ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે પરંતુ આ વખતે આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા ૪થી વધુ હોવાથી લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો.

કચ્છના દુધઈ અને ખાવડા પાસે આવેલા ભૂકંપના કારણે લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. ૩૦ જાન્યુઆરીએ વહેલી સવારે ૫.૧૮ કલાકે આવેલા ભૂકંપના આંચકાના કારણે લોકો ફટાફટ પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. આ પછી ફરી એક આંચકો ૬.૩૮ મિનિટે દુધઈ પાસે અનુભવાયો હતો.

ભૂકંપના આંચકા હળવા હતા પરંતુ ૨૦૦૧માં આવેલા ભૂકંપના કારણે લોકો આ કુદરતી હોનારતને લીધે હંમેશા સતર્ક રહે છે. વર્ષ ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ સવારે ૮.૪૬ મિનિટે આવેલા ભૂકંપની અસર ગુજરાતભરમાં થઈ હતી.

અમદાવાદ સહિતના શહેરોમાં ભૂકંપના કારણે નુકસાન થયું હતું. આ ભૂકંપના તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૬ની નોંધાઈ હતી. જેનું મુખ્ય કેન્દ્ર બિન્દુ ભચાઉ તાલુકાના ચોબારી ગામથી ૯ કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં નોંધાયું હતું. ભૂકંપના કારણે ભૂજમાં ૧૩,૫૭૨ લોકોના મોત થયા હતા, જ્યારે ૨૧ હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ પછી બીજા નંબરે અમદાવાદમાં ૭૦૦થી વધુ લોકોએ ભૂકંપમાં જીવ ગુમાવ્યો હતો. આ સિવાય રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, સુરત, બનાસકાંઠા, પાટણમાં પણ ભૂકંપના કારણે મોત થયા હતા.

૨૦૦૧ પછી પણ કચ્છ સહિત ગુજરાતના અન્ય ભાગોમાં ભૂકંપના હળવા આંચકા આવતા રહ્યા છે. પરંતુ ૨૦૦૧માં આવેલા ભૂકંપને કચ્છવાસીઓ હજુ સુધી ભૂલી શક્યા નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.