દિલ્હીમાં સતત બીજા દિવસે ૨.૭ની તીવ્રતાના આંચકા
નવી દિલ્હી, રાજધાની દિલ્હીમાં બુધવારે સાંજે લગભગ ૪.૪૨ કલાકે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હીમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે રાત્રે ૧૦.૧૭ મિનિટે પણ જાેરદાર આંચકા અનુભવાયા હતા. મંગળવારના ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હિંદુ કુશ ક્ષેત્ર હતું.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો છે કે અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા ૬.૬ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી ૧૩૩ કિમી દક્ષિણપૂર્વમાં હિંદુ કુશ વિસ્તારમાં હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ ૧૫૬ કિલોમીટરની ઊંડાઈએ હતું. ભારત ઉપરાંત તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ચીન, અફઘાનિસ્તાન અને કિર્ગિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભારતમાં દિલ્હી-એનસીઆર સિવાય હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડમાં જાેરદાર આંચકા અનુભવાયા હતા. લોકોને જાણ થતાં જ ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપના અન્ય આંચકાના ભયને કારણે અનેક લોકો મોડી રાત સુધી ઘરોની બહાર ખુલ્લામાં જ રહ્યા હતા. ભૂકંપના કારણે અફઘાનિસ્તાનમાં બે લોકોના મોત થયા છે.
અફઘાનિસ્તાનના આપત્તિ રાહત મંત્રાલયના પ્રવક્તા શફીઉલ્લાહ રહીમીએ જણાવ્યું હતું કે પૂર્વી લઘમાન પ્રાંતમાં બે લોકોના મોત થયા છે. અધિકારીઓ અને સહાયક કર્મચારીઓએ જણાવ્યું હતું કે બદખ્શાન અને અન્ય ઉત્તરીય પ્રદેશોમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા. સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા ૬.૮ માપવામાં આવી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, પાકિસ્તાનમાં ભૂકંપના કારણે ૯ લોકોના મોત થયા છે, જ્યારે ૧૬૦થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. લાહોર, ઈસ્લામાબાદ, રાવલપિંડી, પેશાવર, કોહાટ અને અન્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. SS2.PG