Western Times News

Gujarati News

અમદાવાદનો પૂર્વ વિસ્તાર કોલેરા-કમળાના સકંજામાં: તંત્ર દોડતુ ગયું

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઝાડા-ઉલ્ટી, કમળો, કોલેરા, ટાઈફોઈડ જેવા પાણીજન્ય તેમજ ડેન્ગ્યૂ અને ચીકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગ વકરી રહયા છે. સાથે સાથે સ્વાઈન ફલૂના કેસમાં પણ ચિંતાજનક હદે વધારો થતા તંત્ર દોડતુ થઈ ગયું છે. શહેરમાં ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાએ માજા મુકી છે, રામોલ, સરસપુર, ગોમતીપુર, ઈસનપુર, વટવા, લાંભા, દાણીલીમડા અને બહેરામપુરા સહિતના વિસ્તારોમાં ઝાડા-ઉલ્ટી અને કોલેરાના કેસ બહુ મોટી સંખ્યામાં બહાર આવી રહયા છે. શહેરમાં મે મહિનાના પ્રથમ ૧૦ દિવસમાં જ કોલેરા જેવા જીવલેણ રોગના ૧૪ કેસ નોંધાયા છે

જયારે ચાલુ વર્ષ દરમિયાન કોલેરાના કેસની સંખ્યા પ૪ થઈ ગઈ છે. ર૦રરના સમગ્ર વર્ષ દરમિયાન કોલેરાના માત્ર ૩પ કેસ નોંધાયા હતા જયારે ર૦ર૩માં ૯પ કેસ કન્ફર્મ થયા હતાં જેની સામે ર૦ર૪માં ચાર મહિનામાં જ પ૪ કેસ નોંધાયા છે. આ બાબત અત્યંત ચિંતાજનક માનવામાં આવી રહી છે.

ચાલુ માસના પ્રથમ ૧૦ દિવસમાં જ ઝાડા-ઉલ્ટીના ૬૩પ, કમળાના ૬૧ અને ટાઈફોઈડના ૧૮પ કેસ નોંધાયા છે. જયારે ચાલુ વર્ષ દરમિયાન ઝાડા-ઉલ્ટીના ૩૭૪૭, કમળાના પપ૬ અને ટાઈફોઈડના ૧રપ૯ કેસ કન્ફર્મ થયા છે. પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તંત્ર દ્વારા રેસીડેન્સીયલ કલોરિન ટેસ્ટ કરવામાં આવી રહયા છે.

ચાલુ વર્ષ દરમિયાન કુલ ૧૯૮પ સ્થળે નીલ કલોરિનના રિપોર્ટ આવ્યા છે જયારે ૪૦૦ સ્થળે પાણીના સેમ્પલ અનફિટ જાહેર થયા છે. શહેરમાં પાણીજન્ય રોગચાળાની સાથે સાથે ડેન્ગ્યૂના કેસ પણ સતત વધી રહયા છે તથા મે મહિનામાં ડેન્ગ્યૂના ર૬ કેસ કન્ફર્મ થયા છે. વર્ષ દરમિયાન ડેન્ગ્યૂના કેસની સંખ્યા ૧૮૪ થઈ છે.
શહેરમાં એચ-૧ એન-૧ વાયરસના કેસ પણ સતત વધી રહયા છે

અત્યાર સુધી સીઝનલ ફલૂના કુલ પ૧૩ કેસ કન્ફર્મ થયા છે જે પૈકી માર્ચમાં ર૩ર અને એપ્રિલમાં ૧ર૬ કેસ મુખ્ય છે જયારે મે મહિનામાં નવા ૭ કેસ નોંધાયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૧૪ મે થી ૧૬ મે સુધી ત્રણ દિવસ માટે ગરમી માટે યલો એલર્ટ તેમજ ૧૭ અને ૧૮ તારીખે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

મતલબ કે આ પાંચ દિવસ દરમિયાન શહેરમાં ગરમીનો પારો ૪૩- ૪૪ ડીગ્રી સુધી રહી શકે છે. આ દિવસો દરમિયાન નાગરિકોએ જરૂરી કામ વગર બહાર ન નીકળવા તેમજ વધુ માત્રામાં પ્રવાહી લેવા તેવી સુચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.