આર્થિક અને સામાજિક આત્મનિર્ભરતા મહિલાઓના વિકાસ માટે અનિવાર્ય: ડૉ. અંજુ શર્મા
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનમાં કોન્ફરન્સ –‘વુમન ઈન ધ વર્કફોર્સ: ઇન્ડિયન સીનારિયો, ચેલેન્જીસ એન્ડ વે ફોરવર્ડ’ થીમ પર બે દિવસીય સંગોષ્ઠીમાં મહિલા વિકાસ સંબંધિત સંશોધન પત્રો રજૂ થશે
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન દ્વારા ‘વુમન ઇન ધ વર્કફોર્સ: ઇન્ડિયન સેનારિયો, ચેલેન્જીસ એન્ડ વે ફોરવર્ડ’ થીમ પર બે દિવસીય કૉન્ફરન્સનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનના ડાયરેક્ટર જનરલ શ્રી અંજુ શર્માની ઉપસ્થિતિમાં બે દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે ડો. અંજુ શર્માએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સંદર્ભે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે આનંદની વાત છે. વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી કેમ કરીએ છીએ તેનું મહત્ત્વ આપણે સમજવું ખૂબ જ અનિવાર્ય છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મહિલાઓનું સમાજમાં મહત્ત્વ જળવાઈ રહે અને તેમને દરેક ક્ષેત્રમાં સમાન તક પ્રાપ્ત થાય જેથી સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવી શકાય આ મુખ્ય કારણથી આપણે સૌ મહિલા દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મહિલાઓને ઈક્વાલિટી નહીં પરંતુ ઈક્વિટી (નિષ્પક્ષતા) મળી રહે તે બાબતે દેશમાં પણ અનેક કાર્ય કરવામાં આવી રહ્યા છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત મહિલાઓ દરેક ક્ષેત્રે કાર્યરત થાય તે માટેની અનેક યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના થકી તેમને વિવિધ ક્ષેત્રે કાર્યરીત કરી તેમને પગભર કરી શકાય, તેમ તેઓએ ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે બધા જ ક્ષેત્રોને એકત્રિત કરી ભારતમાં મહિલાઓનો કુલ ૨૮% ફાળો છે, જે આનંદની વાત છે અને તેને ૫૦% સુધી લઈ જવા માટે સરકાર જ નહિ પરંતુ સ્થાનિક શહેરી અને ગ્રામીણ કક્ષાએ અનેક સંસ્થાઓ કાર્ય કરી રહી છે જે સરાહનીય છે.
આપણે સૌએ પણ આપણા ઘરની સ્ત્રી, દીકરી, બહેન, પત્ની કે માતાને તેમના રસપ્રદ વિષયમાં વિકાસ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ અને સાથોસાથ સહકાર આપી તેમનામાં રહેલ કૌશલ્ય અને ક્ષમતાનો વિકાસ કરવો જોઈએ તેમ તેઓએ ઉમેર્યું હતું.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓએ પોતાનો વિકાસ કરવો હોય તો ત્રણ સ્તરો પર આત્મનિર્ભર થવું ખૂબ જ અનિવાર્ય છે, જેમાં આર્થિક આત્મનિર્ભરતા, સામાજિક આત્મનિર્ભરતા અને વ્યક્તિગત આત્મનિર્ભરતાનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્તરો પર જો મહિલાઓ આત્મનિર્ભર હશે તો તેમનો જ નહીં પરંતુ રાષ્ટ્રના વિકાસને પણ ખૂબ જ ઝડપથી વેગ મળશે તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને રાજસ્થાનથી આવેલ અનેક વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને તેમના રિસર્ચ પેપર પ્રસ્તુત કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં કૌશલ્ય સ્કીલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી એચ.આર.સુથાર, મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનના એકેડેમીક હેડ શ્રી જીગ્નેશ ટાપરિયા, એકેડેમીક કો- ઓર્ડીનેટર ડો. સુમન વૈષ્ણવ, વરિષ્ઠ પત્રકાર શ્રી અજય ઉમટ, RJ અદિતિ રાવલ, રિસર્ચ પેપર રજૂ કરનારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ, પ્રોફેસરો અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.