દરિયાના કાંઠાના વિસ્તારોમાં ૧૨,૨૦૦ હેક્ટરમાં મેંગ્રુવ વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવશે
‘ઇકોસિસ્ટમ પુનઃસ્થાપન પ્રોજેક્ટ’ અંગે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો-વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ
પ્રોજેકટ ફોર ઈકો-સિસ્ટમ રીસ્ટોરેશન ઈન ગુજરાત (JICA) સહાયિત પરિયોજનાના શુભારંભ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, પ્રોજેકટ ફોર ઈકો-સિસ્ટમ રીસ્ટોરેશન ઈન ગુજરાત (PERG)નો શુભારંભ થઈ રહયો છે,
ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણીય બદલાવને ધ્યાનમાં રાખીને ટકાઉ વિકાસ સાથે સુધારણા માટે વિવિધ પ્રયાસો અને સફળ નેતૃત્વ દ્રારા સમગ્ર વિશ્વને માર્ગદર્શન પુરૂ પાડ્યું છે.
તે માટે વૈશ્વિક સહયોગ મેળવી જાપાન સાથે ઘણી બધી પહેલો હાથ ધરી છે જેમાં ગુજરાતે પણ PERG દ્વારા વડાપ્રધાનના પર્યાવરણીય સમતુલા જાળવવાના ઉદ્દેશ સાથે પર્યાવરણના પુન:સ્થાપન માટે આજે આપણે સૌ અહીં એક ઉમદા હેતુ માટે એકત્રિત થયા છીએ.
વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘ઇકોસિસ્ટમ પુનઃસ્થાપન પ્રોજેક્ટ’ અંગે વન તાલીમ કેન્દ્ર, ગાંધીનગર ખાતે આજે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો.
મંત્રીશ્રી મુળુભાઇએ કહ્યું હતું કે, મારા સાથી મંત્રી શ્રી મુકેશભાઈએ આ પરિયોજના પ્રથમ, દ્રિતીય અને આજ રોજ શરૂ થનાર તૃતીય તબકકાના PERG પ્રોજેકટની આપ સૌને ખુબ જ સરળ રીતે વન વિભાગ દ્રારા તબકકાવાર કરવામાં આવેલ આ યોજનાની માહિતી આપી. પ્રથમ અને દ્વિતીય તબક્કાની સફળતા બાદ આજ રોજ ત્રીજા તબક્કાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. આ પ્રોજેકટ જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (JICA) દ્રારા સહાયિત છે.
જે પ્રોજેકટ ફોર ઈકો-સિસ્ટમ રીસ્ટોરેશન ઈન ગુજરાત (PERG)થી ઓળખાય છે. આ યોજના ગુજરાતના કુલ ૨૦ જિલ્લામાંના ૧૧ વર્તુળમાં ૨૭ વિભાગોના, ૧૧૦ રેંન્જ વિસ્તારોમાં કાર્યરત થનાર છે. આ સમગ્ર પરિયોજના ૯ વર્ષ માટે અમલીકરણ થશે જેનો કુલ ખર્ચ ૧૦૭૧.૯૪ કરોડ જેટલો છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ પ્રોજેકટના મુખ્ય ઉદ્દેશોમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મેંગ્રુવ અને તેની સહ વનસ્પતિ પ્રજાતિઓનું વાવેતર કરી તેના વિકાસ અને પરિસ્થિકીય સેવાઓનું પુન:સ્થાપન, પાંખા થયેલાં જંગલોનું પુન:નિર્માણ, ઘાંસ વાવેતર, જળપ્લાવિત વિસ્તારોનું પુન:નિર્માણ માનવ – વન્યજીવ વ્યવસ્થાપન તથા ગુજરાતના વન વિભાગમાં સંસ્થાકીય મજબુતીકરણ કરી વન તથા વન સંપદાની જાળવણી કરવી.
આ પ્રોજેકટ અંતર્ગત દરિયાના કાંઠાના વિસ્તારોમાં ૧૨,૨૦૦ હેક્ટરમાં મેંગ્રુવ તથા તે વિસ્તારોમાં થતી તેની મુળ જાતિની સહ વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવનાર છે. ઘાંસના વિસ્તારમાં ૮,૫૦૦ હેક્ટરનું ઘાંસ વાવેતર, ગુજરાતની સ્થાનિક મુળ પ્રજાતિની વનસ્પતિઓનું ૧૫૦ હેક્ટરમાં વાવેતર તથા પાંખા થયેલ જંગલ વિસ્તારોમાં ૯,૦૦૦ હેક્ટરમાં વાવેતર કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, આ પરીયોજનાના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને તેના અંતર્ગત પરિસ્થિકીય અભ્યાસ અને વિકાસ માટે બે રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. ઘાંસના પુન:નિર્માણ અંતર્ગત ૮૦ માઈક્રો પ્લાન બનાવી ૮૦ યુનિટમાં કમ્યુનીટી ડેવલેપમેન્ટ બનાવી ૧૯૦ SHG દ્રારા ૨,૦૦૦ હેક્ટરમાં નિયંત્રિત અને રોટેશનલ ચરિયાણ થઈ શકે તેવું આયોજન કરવામાં આવશે. જળપ્લાવિત વિસ્તારોના વિકાસમાં ૨૧ માઈક્રો પ્લાન બનાવવામાં આવશે.
જેમાં ૯૦૦ હેક્ટરમાં નકામા ઘાસને દુર કરવામાં આવશે. ૫૦ જેટલાં મોટા પાળા બનાવવામાં આવશે. ઘન કચરાના વ્યવસ્થાપન માટે યુનિટની સ્થાપના કરવામાં આવશે. ઈકો-ટુરીઝમનો વિકાસ, એક વર્લ્ડ હેરીટેજ સાઈટ ને વૈશ્વિક ઓળખ અપાવવા માટે એક ડૉઝીયર અને ત્રણ રામસર સાઈટના ડૉઝીયર બનાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
ગુજરાતની વિકાસની ગતિને જોતા આ પરિયોજનાની સફળતા પણ ગુજરાત વન અને પર્યાવરણ વિભાગના સર્વશ્રેષ્ઠ કામગીરીમાં પોતાનો આગવો ફાળો આપશે અને પર્યાવરણની સમતુલા જાળવી પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે નોંધપાત્ર યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને મંત્રીશ્રીએ આ પ્રસંગે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વન સંપદાના વિકાસ માટે વિવિધ પરિયોજનાઓ ગુજરાતમાં શરૂ કરી હતી. જેમાં ગુજરાતની ઇકો સિસ્ટમ રીસ્ટોરેશનના ઉદેશો સાથે આ પરિયોજનાનો પ્રથમ તબક્કો વર્ષ ૧૯૯૫-૯૬ થી વર્ષ ૨૦૦૧-૦૨, એમ કુલ ૭ વર્ષ માટે JICAના સહયોગથી આકાર પામ્યો હતો. જ્યારે આ યોજનાનો બીજો તબક્કો વર્ષ ૨૦૧૪-૧૫ સુધી પૂર્ણ કરવામાં આવ્યો છે.
આજે આ યોજનાનો ત્રીજો તબક્કો કે જે પ્રોજેક્ટ ફોર ઇકો સિસ્ટમ રીસ્ટોરેશન ઇન ગુજરાત ફેઝ-૩ તરીકે ઓળખાય છે. જેનો કુલ સમયગાળો ૮ વર્ષનો છે તેમ, મંત્રી શ્રી મુકેશભાઇએ ઉમેર્યુ હતું.
વધુમાં, આ એક દિવસીય ઓરિએન્ટેશનમાં કુલ પાંચ સેમિનાર યોજાયા હતા.જેમાં ઇકોસિસ્ટમની પુનઃસ્થાપના અંગેના પ્રોજેક્ટને ઝડપી સફળ બનાવવા નાગરિકોને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, વાવેતર કરતી વખતે સ્થળની ઓળખ અને અન્ય સાવચેતીઓ, સમુદાયની ભાગીદારી, દેખરેખ અને મૂલ્યાંકન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, મુખ્ય વન સંરક્ષક શ્રી યુ.ડી. સિંહ, ચીફ પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી એસ.કે.શ્રીવાસ્તવ સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.