૧૦ વર્ષમાં ઈડીએ રાજકારણીઓ સામે ૧૯૩ કેસ દાખલ કર્યા

નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ છેલ્લા ૧૦ વર્ષમાં રાજકારણીઓ, ભૂતપૂર્વ સાંસદો અને ધારાસભ્યો સહિત કુલ ૧૯૩ કેસ દાખલ કર્યા છે, જેમાંથી માત્ર બે કેસમાં જ આરોપીઓને દોષિત ઠેરવીને સજા કરવામાં આવી છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આ વાત કહી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, ફેડરલ એન્ટી-મની લોન્ડરિંગ એજન્સીએ દાખલ કરેલા કેસમાં રાજકારણીઓ, વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો, ધારાસભ્યો અને એમએલસી, તેમજ રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે.ચૌધરીએ જણાવ્યું હતું કે, એપ્રિલ ૨૦૧૫થી ફેબ્›આરી ૨૦૨૫ વચ્ચે આ કેટેગરીના વ્યક્તિઓ સામે ઈડી દ્વારા ૧૯૩ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
તેમણે ઉમેર્યું હતું કે, તેમાંથી માત્ર બે કેસ (એક ૨૦૧૬-૧૭ નાણાકીય વર્ષ, બીજો ૨૦૧૯-૨૦)માં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા હતાં. જો કે, ચૌધરીએ પોતાના જવાબમાં કેસ કે આરોપીઓના નામનો ઉલ્લેખ કર્યાે ન હતો.
સત્તાવાર રેકોર્ડ મુજબ ઝારખંડના ભૂતપૂર્વ મંત્રી હરિ નારાયણ રાયને ૨૦૧૭માં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સાત વર્ષની સખત કેદ અને ૫ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રાજ્યના અન્ય એક ભૂતપૂર્વ મંત્રી અનોશ એક્કાને ૨૦૨૦માં સાત વર્ષની સખત કેદ અને ૨ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.SS1MS